નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ શનિવારે સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ હાજર થઈ હતી. તે વકીલના વેશભૂષામાં કોર્ટમાં પહોંચી હતી. કોર્ટે તેને છેલ્લી સુનાવણીમાં વચગાળાના જામીન આપ્યા હતા, આજે કોર્ટના ચુકાદા પર તેના ભાવિનો નિર્ધાર છે.સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલા રૂ.200 કરોડના મની લોન્ડરિંગ મામલે ચાલી રહેલી EDની તપાસમાં જેકલિન સહ આરોપી છે. તેની જામીન અરજી પર સુનાવણી થઈ રહી છે. આ પહેલાં તે 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થઈ હતી.
જેકલિનના નિયમિત જામીન મામલે કોર્ટે EDને જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માગ્યો હતો. કોર્ટે જેકલિનના વકીલ પ્રશાંત પાટિલને પૂછ્યું હતું કે શું તમે ચાર્જશીટની કોપી બધા આરોપીઓને આપી દીધી છે? એના જવાબમાં અભિનેત્રીના વકીલે કહ્યું હતુ કે કોર્ટમાં આપશે. અત્યાર સુધી નથી આપી. આ પહેલાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ મામલે 26 સપ્ટેમ્બરે રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ મામલે રૂ. 50,000ના જામીનના બોન્ડ પર અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝને વચગાળાના જામીન આપ્યા હતા.
આ મામલે EDએ 17 ઓગસ્ટને એક ચાર્જશીટ દાખલ કરીને જેકલિનને આરોપી બનાવી હતી. એ પછી કોર્ટે તેને સમન્સ મોકલ્યા હતા. આ મામલે આરોપી બનાવ્યા પછી જેકલિનના વકીલે તેના જામીન માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ED દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ જેકલિન સુકેશ ચંદ્રશેખરને જીવનસાથી માનતી હતી. એક્ટ્રેસ આ મહાઠગની સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી.