મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવુડમાં નેપોટિઝમ (સગાવાદ)નો મુદ્દો ચર્ચામાં છે. અનેક બોલીવુડ હસ્તીઓને આ મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બિહારના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ નિર્માતાઓ – એકતા કપૂર, કરણ જોહર, સંજય લીલા ભણશાલી, સાજીદ નડિયાદવાલા અને સલમાન ખાન સહિત 8 જણ વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આક્ષેપ કરતો કેસ ફાઈલ કર્યો છે. કેટલાક બોલીવુડ સિતારાઓનું કહેવું છે કે, આ લોકોએ જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપ્યું છે. નેપોટિઝ્મ મુદ્દે હવે ગાયક મિકા સિંહે એક ઈન્ટરવ્યુ મારફતે પોતાના વિચારો રજૂ કર્યા છે.
મિકા સિંહે એકતા કપૂર, સલમાન ખાન, કરણ જોહરથી લઈને સંજય લીલા ભણશાલી અને ભૂષણ કુમારનું સમર્થન કર્યું છે. મિકાએ કહ્યું કે, સલીમ ખાન એક સારા સ્ક્રીનરાઈટર છે. સલીમ ખાન ઘણી મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા છે અને તેમના પુત્રો – સલમાન, અરબાઝ અને સોહેલ – એ આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે, તો આ લોકોને નેપોટિઝમ વિવાદમાં જોડવા ન જોઈએ. તો કરણ જોહર અંગે વાત કરતા મિકા એ કહ્યું કે, કરણ સાથે મારો વ્યક્તિગત વ્યવહાર સારો ન હતો, મેં તેમના પર અનેક વખત ખોટી ટિપ્પણીઓ કરી છે. તેમ છતાં કરણે તેમની ફિલ્મોમાં મને ગાવાની તક આપી છે.
મિકાએ એમ પણ કહ્યું કે પોતે વાતથી નારાજ છે કે સુશાંતના કેસમાં એકતા કપૂરને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. કારણ કે એક્તાએ જ સુશાંતને પ્રાઈમ ટાઈમ શો (પહેલો – કિસ દેશ મેં હૈ મેરા દિલમાં સેકન્ડ લીડ અને પછી પવિત્ર રિશ્તામાં લીડ)થી મોટો બ્રેક આપ્યો હતો. જ્યારે એકતાએ આટલો મોટો બ્રેક આપ્યો તો પછી તેને ટાર્ગેટ કઈ રીતે કરી શકાય. મિકા સિંહે સુશાંતની આત્મહત્યાને લઈને કહ્યું કે, સુશાંત ટેલેન્ટેડ અભિનેતા હતો. તેણે આવું શા માટે કર્યું એ અંગે મને જાણકારી નથી પણ જે લોકો સોશિયલ મિડિયા પર વગર જાણ્યે અન્ય લોકો પર આરોપ લગાવી રહ્યા છે તે ખોટું છે.
મિકા સિંહે સોનુ નિગમ વિશે વાત કરતા કહ્યું કે, સોનુ નિગમ આજે ભૂષણ કુમાર પર ગુસ્સો ઠાલવી રહ્યો છે પણ આવનારા દિવસો ફરી બંને એક થઈ જશે. સોનુ નિગમને સ્ટાર ગાયક બનાવનાર ભૂષણ કુમારના પિતા ગુલશન કુમાર છે. જોકે સોનુની સફળતા પાછળ તેની મહેનત પણ છે પણ આજે ભૂષણ કુમારે તેને કામ ન આપ્યું તો તે નારાજ થઈ ગયો.