‘બધાયના-સંતાન જેલમાં જશે, પછી એક્તા આવશે’: મીકાસિંહ

મુંબઈઃ ગાયક મીકા સિંહે આર્યન ખાન ડ્રગ્સ કેસના સંબંધમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સમર્થન કર્યું છે. દિગ્દર્શક સંજય ગુપ્તાએ કરેલા એક ટ્વીટના જવાબમાં મીકા સિંહે આર્યન ડ્રગ્સ કેસના મામલે મૂક રહેવા બદલ બોલીવુડની ઝાટકણી કાઢી છે.

એણે ટ્વીટમાં લખ્યું છે, ‘ભાઈ તમે કદાચ સાચા છો. એ બધાં જ નાટક જોઈ રહ્યાં છે અને એક શબ્દ પણ બોલી નહીં શકે. હું શાહરૂખ ખાનની સાથે છું. આર્યન ખાનને જામીન મળવા જ જોઈએ. મારું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં બધાયના સંતાન એક વાર તો અંદર જશે, ત્યારે જ એકતા બતાવશે.’ સંજય ગુપ્તાએ એમના ટ્વીટમાં લખ્યું હતું કે, ‘શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજારો લોકોને નોકરી અને આજીવિકા આપવાનું ચાલુ રાખ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક કામ માટે એ આગળ આવ્યો છે. અને આજે એના કટોકટીના સમયે એ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ચાલાકીભર્યું મૌન શરમજનક છે.’

ઉલ્લેખનીય છે કે મુંબઈના સમુદ્રકાંઠેથી ગોવા જતા એક લક્ઝરી જહાજમાં ચાલતી પાર્ટી પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ ગઈ 2 ઓક્ટોબરની રાતે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ડ્રગ્સ મળી આવતાં શાહરૂખના પુત્ર આર્યન ખાન, એના મિત્ર અરબાઝ મરચંટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચા સહિત 20 જેટલાને અટકમાં લીધાં હતાં. આર્યન તથા અરબાઝ અને મુનમુનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી એ સૌ અદાલતી કસ્ટડીમાં છે.