બર્થડે-ગર્લ મનીષા રૂપેરી-પડદા પર કમબેક કરવા સજ્જ

મુંબઈઃ ‘સૌદાગર’, ‘કચ્ચે ધાગે’, ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘1942ઃ અ લવ સ્ટોરી’, ‘લજ્જા’, ‘ખૌફ’, ‘બાગી’, જેવી અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય માટે જાણીતી થયેલી અભિનેત્રી મનીષા કોઈરાલા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. 1970ની 16 ઓગસ્ટે નેપાળના કાઠમંડૂમાં જન્મેલી મનીષા 90ના દાયકામાં ઘણાયની ફેવરિટ હિરોઈન હતી. પરંતુ ગર્ભાશયના કેન્સરનો શિકાર બન્યાં બાદ એની કારકિર્દીને મોટો ફટકો પડ્યો હતો. સદ્દનસીબે, કેન્સર સામેનો જંગ જીતવામાં એ સફળ રહી હતી. ધીમે ધીમે પોતાનાં શરીરને ફરી પહેલાંની જેવું બનાવવામાં પણ એ સફળ થઈ છે. જરૂરી કસરતો કરીને એણે ફિટનેસ પુનઃ પ્રાપ્ત કરી લીધી છે. સોશ્યલ મીડિયા પર એ ઘણી સક્રિય છે અને વર્કઆઉટની પોતાની તસવીરો શેર પણ કરતી હોય છે.

52 વર્ષની થયેલી મનીષા બોલીવુડમાં કમબેક કરવા માટે સજ્જ થઈ ગઈ છે. એ ટૂંક સમયમાં જ કાર્તિક આર્યન સાથે ‘શહજાદા’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ એક તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક હશે. તે 2023ની 10 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે. મનીષા આ ફિલ્મમાં અભિનય કરશે એટલું જ નહીં, તે આ ફિલ્મની નિર્માત્રી પણ છે.