‘ખૂબસૂરત’, ‘ખટ્ટામીઠા’ ફિલ્મોના અભિનેતા રણજીત ચૌધરીનું નિધન

મુંબઈઃ 1980ની સાલમાં આવેલી હળવીફૂલ કોમેડી ફિલ્મ ‘ખૂબસૂરત’માં રેખા અને રાકેશ રોશન સાથે અભિનય કરનાર રણજીત ચૌધરીનું અમેરિકામાં નિધન થયું છે. તેઓ 65 વર્ષના હતા અને જાણીતા અભિનેત્રી પર્લ પદમશીનાં પુત્ર હતા.

ફિલ્મ ઉપરાંત ટીવી અને રંગભૂમિના અભિનેતા રણજીતે ‘બેન્ડિટ ક્વીન’, ‘બાતોં બાતોં મેં’, ‘ખૂબસૂરત’, ‘ખટ્ટામીઠા’, ‘મિસિસિપી મસાલા’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

રણજીત ચૌધરીના નિધનના સમાચાર એમના સાવકા બહેન અને અભિનેત્રી રાએલ પદમશીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યા હતા. એમણે તસવીરમાં લખ્યું છેઃ રણજીત ચૌધરી ‘છોટુ’, જન્મ 19-9-1955, સ્વર્ગવાસ 15-4-2020.

રણજીત મુંબઈનિવાસી રંગભૂમિ અભિનેત્રી પર્લ પદમશીના પુત્ર હતા અને લેખક તથા રંગભૂમિ કલાકાર સ્વ. એલેક પદમશીના સાવકા પુત્ર હતા.

અભિનેતા રાહુલ ખન્ના અને નિર્દેશિકા દીપા મહેતાએ રણજીત ચૌધરીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

રણજીત ચૌધરી 1980માં જ અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા અને ત્યાં લેખક તથા અભિનેતા તરીકે જીવન જીવતા હતા.

રણજીતે ‘લોન્લી ઈન અમેરિકા’, ‘સચ અ લોન્ગ જર્ની’ જેવી અમુક હોલીવૂડ/બ્રેકવે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

રણજીતે એક અમેરિકન ટીવી સિરીઝ ‘પ્રિઝન બ્રેક’માં પણ અભિનય કર્યો હતો. એમાં બે એપિસોડમાં એમણે ડો. મેરવિન ગુડાટનો રોલ કર્યો હતો. તે ઉપરાંત રણજીતે દીપા મહેતાની સિરીયલ ‘સેમ એન્ડ મી’ માટે પટકથા પણ લખી હતી.

કહેવાય છે કે રણજીતને છેલ્લા અમુક મહિનાઓથી એક રોગ થયો હતો અને એમને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પ્રક્રિયામાં એ બચી શક્યા નહીં.