રિતીકની પિતરાઈ બહેન પશ્મીના છે કાર્તિકની નવી-ગર્લફ્રેન્ડ?

મુંબઈઃ ફ્રાન્સનું પાટનગર પેરિસ દુનિયાનું સૌથી રોમેન્ટિક શહેર ગણાય છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન નવા વર્ષની ઉજવણી કરવા ત્યાં પહોંચી ગયો છે. એ પેરિસ ગયો છે તે કંઈ મોટા ન્યૂઝ નથી, પણ એની નવી ગર્લફ્રેન્ડ હોવાનું મનાતી પશ્મીના રોશન પણ પેરિસમાં જ છે તેથી ઘણાયની આંખોનાં ભવાં ખેંચાયા છે. પશ્મીના એક્ટર રિતિક રોશનના કાકા સંગીતકાર રાજેશ રોશનની દીકરી – પિતરાઈ બહેન છે. એ છેલ્લા અમુક દિવસોથી પેરિસમાં છે. એણે પણ નાતાલના દિવસે બરફાચ્છાદિત સ્થળે બરફથી રમતી અને પોઝ આપતી તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી છે. હૃતિક રોશન પણ પેરિસમાં જ છે. એની સાથે એના બે દીકરા – રેહાન અને રિદાન તથા ગર્લફ્રેન્ડ સબા આઝાદ છે.

પિંકવિલા ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, કાર્તિક અને પશ્મીના ‘માત્ર સારાં મિત્રો’ કરતાં પણ વધારે એકબીજાંની નિકટમાં છે. કાર્તિક જ્યારે નવરો હોય ત્યારે મુંબઈમાં પશ્મીનાનાં ઘેર જવાનું પસંદ કરે છે અને એવી જ રીતે પશ્મીના પણ અવારનવાર કાર્તિકનાં ઘેર આવતી-જતી હોય છે. બંને જણ જુહુ વિસ્તારમાં કાર્તિકની નવી મેક્લારેન કારમાં ફરતી જોવા મળ્યાં છે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ ડ્રાઈવ એમનું ફેવરિટ સ્થળ છે. ત્યાં તેઓ એક જાણીતી રેસ્ટોરન્ટમાં ઘણી વાર સાથે જમતાં હોય છે.

પશ્મીના ‘ઈશ્ક વિશ્ક’ની નવી આવૃત્તિની ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. એમાં તેની સાથે રોહિત સરાફ, જિબ્રાન ખાન અને નૈલા ગ્રેવાલ જેવા કલાકારો પણ છે. બીજી બાજુ, કાર્તિક પાસે પાંચ નવી ફિલ્મ છે – ‘સત્યપ્રેમ કી કથા’, ‘શેહઝાદા’, ‘આશિકી 3’, ‘કેપ્ટન ઈન્ડિયા’ અને કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ.