પાંચ વર્ષમાં હું લગ્ન કરીશ. એ ‘લવ-કમ-અરેન્જ્ડ મેરેજ’ હશે: કંગના

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોત હાલ એની આગામી નવી હિન્દી ફિલ્મ તેજસનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એણે પોતાનાં લગ્ન વિશેની યોજના વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે એનાં લવ-કમ-અરેન્જ્ડ મેરેજ હશે. ટાઈમ્સ નાઉ ચેનલને આપેલી મુલાકાતમાં કંગનાએ લગ્ન વિશેનાં તેનાં વિચારો જણાવ્યાં હતાં. એણે કહ્યું હતું: ‘દરેક છોકરીનું સપનું હોય કે એનાં લગ્ન થાય અને એનો પરિવાર થાય. હું સંપૂર્ણપણે કૌટુંબિક વ્યક્તિ છું. પરિવાર મારે મન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મારે લગ્ન કરવા છે અને પરિવાર બનાવવો છે. એ પાંચ વર્ષમાં જ થઈ જશે. જો એ લવ-કમ-અરેન્જ્ડ મેરેજનું મિશ્રણ હશે તો મને વધારે ગમશે.’

પોતાની ભૂતકાળની રિલેશનશિપ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, ‘રિલેશનશિપમાં તમને કાયમ સફળતા ન મળે. અને, નાની ઉંમરે તમને એ સફળતા ન મળે તો તમે નસીબદાર કહેવાવ. મારી સાથે એ જ બન્યું હતું. રિલેશનશિપ બંધાય તો એને જાળવી રાખવા હું મક્કમ હતી. નસીબજોગે એ વખતે મારી સાથે એ રિલેશનશિપ આગળ વધી નહીં. મારું માનવું છે કે ઈશ્વરે મારું રક્ષણ કર્યું હતું.’

કંગનાની ‘તેજસ’ ફિલ્મ આવતીકાલે દેશભરમાં થિયેટરોમાં રજૂ થવાની છે. એમાં તેની સાથે અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશિષ વિદ્યાર્થી અને વિશાક નાયર જેવા કલાકારો છે. કંગનાએ આ ફિલ્મમાં ભારતીય હવાઈ દળની પાઈલટ તેજસ ગિલની ભૂમિકા ભજવી છે. ‘તેજસ’ ઉપરાંત કંગનાની ‘ઈમર્જન્સી’ ફિલ્મ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. એમાં કંગનાએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. એ ફિલ્મનું દિગ્દર્શન પણ કંગનાએ જ કર્યું છે. આ ફિલ્મ અગાઉ આ વર્ષની 24 નવેમ્બરે રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું, પરંતુ હવે તેને આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.