2022માં હિન્દી નહીં, અન્ય ભાષાઓની ફિલ્મો પણ ફ્લોપ રહી

નવી દિલ્હીઃ ભારતીય સિનેમામાં અલગ-અલગ ભાષાઓમાં અનેક ફિલ્મો રિલીઝ થાય છે. આ વર્ષના પ્રારંભથી અત્યાર સુધી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ છે તો કેટલીય ફિલ્મો એવી હતી, જેને દર્શકોએ નકારી કાઢી હતી. વળી, હિન્દી જ નહીં, અન્ય ભાષાઓની ફિલ્મો પણ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પછડાઈ છે. આ યાદીમાં પંજાબીમાંથી માંડીને ગુજરાતી ફિલ્મો સામેલ છે.

બોલીવૂડ ફિલ્મો માટે આ વર્ષ ખરાબ રહ્યું છે. આ વર્ષે એક-બે ફિલ્મો સિવાય આશરે મોટા ભાગની હિન્દી ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. આશ્ચર્યની વાત એ છે આ ફિલ્મોમાં બોલીવૂડના મશહૂર કલાકારો –રણબીર કપૂર, આમિર ખાન, અક્ષય કુમાર વગેરેની ફિલ્મો સામેલ છે. આ વર્ષની મોટી ફ્લોપ ફિલ્મ ‘નિકમ્મા’ હતી. આ ઉપરાંત અક્ષય કુમારની ‘રક્ષા બંધન’, આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’, રણબીર કપૂરની ‘શમશેરા’, કંગના રણોતની ‘ધાકડ’ પણ ફ્લોપ ફિલ્મોની યાદીમાં છે.

બોક્સ ઓફિસ પર સાઉથની ખાસ કરીને તેલુગુ ફિલ્મોની ધમાલ જોવા મળી. રામ ચરણ અને જુનિયર NTR સ્ટારર ફિલ્મ ‘RRR’એ રેકોર્ડ બનાવ્યા અને શાનદાર કમાણી કરી, પણ તેલુગુની અન્ય ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી. આ ફિલ્મોમાં તેલુગુના અનેક કલાકારો હતા.

કન્નડ અભિનેતા યશની ફિલ્મ ‘KGF-2’ આ વર્ષની સૌથી વધુ કમાણીવાળી ફિલ્મોમાંની છે, પણ કન્નડની બીજી ફિલ્મોને લોકોને નકારી કાઢી હતી. આ સિવાય મલયાલમ, ગુજરાતી અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીય ફિલ્મો ફ્લોપ રહી હતી.