મુંબઈ – બોલીવૂડના ગીતકાર અને પટકથાલેખક જાવેદ અખ્તરે કહ્યું છે કે મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો ઘડવો હોય તો રાજસ્થાનમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ઘૂંઘટ ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
જાવેદ અખ્તરે આ કમેન્ટ્સ તે ગુરુવારે ભોપાલ ગયા હતા ત્યારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભોપાલ લોકસભા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે એવી માગણી કરી છે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કે બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આવી જ માગણી શિવસેના પાર્ટીએ પણ કરી છે. એણે તેના મુખપત્ર સામના અખબારના તંત્રીલેખ દ્વારા આ માગણી કરી છે.
જાવેદ અખ્તરે કહ્યું હતું કે હું બુરખાની તરફેણ કરતો નથી, પણ જો કાયદો ઘડવો હોય તો બુરખા અને ઘૂંઘટ, બંને પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણીની ટિકિટ આપવા બદલ અખ્તરે ભાજપની ટીકા કરી છે.
પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે ઝુકાવ્યું છે. ભોપાલમાં 12 મેએ વોટિંગ છે.
લોકસભા ચૂંટણીમાં મતગણતરી અને પરિણામ 23 મેએ છે.
જાવેદ અખ્તરે કહ્યું છે કે આ વખતની લોકસભા ચૂંટણી દેશના ભવિષ્ય માટે ઘણી જ મહત્ત્વની બની રહેશે. મોદીઓ તો આવશે ને જશે, પણ દેશ રહેશે.