વિદ્યાએ યોગ-કરીને ફરી શેપમાં આવવું જોઈએઃ શર્લિનની-સલાહ

મુંબઈઃ શર્લિન ચોપરા એક અભિનેત્રી અને મોડેલ છે. બોલ્ડ પોઝ આપવા માટે એ જાણીતી છે. છેલ્લા અમુક વર્ષોથી એ યોગ પ્રશિક્ષક પણ બની છે. એનું કહેવું છે કે યોગવિદ્યાએ તેનાં જીવનમાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે એક ઈન્ટરવ્યૂમાં એણે બોલીવુડના અમુક કલાકારો વિશે કહ્યું.

એણે કહ્યું કે, ‘હું કંગના રણોત અને વિદ્યા બાલનની પ્રશંસક છું. કંગના તો પોતાને ઘણી સારી રીતે ફિટ રાખે છે, પણ હાલમાં જ ‘શેરની’ ફિલ્મ જોઈને મને લાગ્યું કે વિદ્યા બાલન ‘આઉટ ઓફ શેપ’ થઈ ગઈ છે. મારી વિદ્યાને વિનંતી છે કે એ થોડોક સમય કાઢીને યોગની પ્રેક્ટિસ કરે અને પાછી શેપમાં આવી જાય.’ શર્લિને આવું જ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી વિશે કહ્યું. ‘નવાઝુદ્દીન સિદ્દિકી મને જરાય ફિટ લાગતો નથી. હું એને યોગ શીખવવા તૈયાર છું. આજે જો અમારા બેઉ વચ્ચે બોક્સિંગ મુકાબલો થાય તો હું એને આરામથી હરાવી દઉં.’ શર્લિને બોલીવુડમાં પ્રવર્તતા ડ્રગ્સના દૂષણ વિશે પણ કહ્યું. ‘આપણા ઉદ્યોગમાં એવા ઘણા કલાકારો છે જેઓ ડ્રગ્સ લે છે અને પાછા જિમ્નેશિયમમાં જઈને કસરત કરે. હું એવા કલાકારોને વિનંતી કરીશ કે તેઓ દેશના યુવાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. એમણે ડ્રગ્સનો બહિષ્કાર કરવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલીને ઉત્તેજન આપવું જોઈએ,’ એમ તેણે કહ્યું.