‘ધ ફેમિલી મેન 2’ વિશ્વની ચોથી લોકપ્રિય વેબ સિરીઝ

મુંબઈઃ મનોજ બાજપેયી અને સામંથા અક્કિનેની વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ ચોથી જૂને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. પહેલી સીઝનની જેમ આ સીઝનને પણ ફેન્સ એને પસંદ કરી રહ્યા છે. હવે વેબ સિરીઝને નામે એક વધુ ઉપલબ્ધિ નોંધાઈ છે. ‘ધ ફેમિલી મેન-2’ IMDB રેટિંગ પર વિશ્વની ચોથી સૌથી લોકપ્રિય વેબ સિરીઝ બની ગઈ છે.

મનોજ બાજપેયીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લિસ્ટ શેર કર્યું છે, જેમાં દેખાય છે કે ‘ધ ફેમિલી મેન 2’ને IMDBમાં ચોથું સ્થાન મળ્યું છે. આ વેબ સિરીઝને IMDB પર 10માંથી 8.8 રેટિંગ મળ્યું છે. આ લિસ્ટમાં શરૂઆતના ત્રણ નંબર પર ક્રમશઃ ‘લોકી’, ‘સ્વીટ ટૂથ’ અને ‘મિયર ઓફ ઇસ્ટાઉન’ છે.

IMDBનું રેટિંગ યુઝર્સ દ્વારા આપવામાં આવેલા સ્ટાર્સ અને તેમનાં રિએક્શન અનુસાર નક્કી થાય છે. આ રીતે વેબ સિરીઝને લોકપ્રિયતાને મામલમાં ‘ફ્રેન્ડસ, ‘ગ્રેઝ એનાટોમી’ વગેરે જેવી ચર્ચિત વેબ સિરીઝને પાછળ છોડી છે.

વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’માં મનોજ બાજપેયી સિનિયર એજન્ટ અને એનાલિસ્ટ શ્રીકાંત તિવારીની ભૂમિકામાં છે. તેની સાથે સામંથા અક્કિનેની એક આતંકવાદી રાજલક્ષ્મીની ભૂમિકામાં છે. વેબ સિરીઝમાં શારિબ હાશમી, નીરજ માધવ, પવન, ચોપડા, ગુલ પનાગ, શ્રેયા ધન્વંતરિ, સીમા બિશ્વાસ, દર્શનકુમાર, શરદ કેળકર, સમી હિન્દુજા, શહાબ અલી અને વેદાંત સિંહા જેવા કલાકાર છે.

આ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ને લઈને તમિળ ભાષી લોકોનો એક વર્ગ નારાજ છે. તેમનો આરોપ છે કે એ વેબ સિરીઝ હિન્દી ભાષી લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને એમાં તમિળ લોકોને આતંકવાદી બતાડવામાં આવ્યા છે. જે ઇમેજ ખરાબ કરવનારી છે. લોકોએ વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. કેટલીક તમિળ રાજકીય પાર્ટીઓએ પણ વેબ સિરીઝનો વિરોધ કર્યો છે.