મુંબઈઃ હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢમાં 8મા ધોરણમાં ભણતા છોકરા મયંકે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ક્વિઝ-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ જૂનિયર’માં રૂ. એક કરોડનું ઈનામ જીત્યું છે. આ ગેમ શોમાં આટલું મોટું ઈનામ જીતનાર મયંક સૌથી યુવાન વયનો બાળક બન્યો છે. મયંક 12 વર્ષનો છે. હન્ડાઈ કંપની તરફથી મયંકને એક કાર પણ ઈનામ રૂપે આપવામાં આવી છે.
શો દરમિયાન મયંકની બુદ્ધિપ્રતિભાથી અમિતાભ ખૂબ જ પ્રભાવિત થયા હતા. રૂ. એક કરોડની રકમના ઈનામ માટે અમિતાભે મયંકને સવાલ પૂછ્યો હતોઃ ‘નવા શોધાયેલા ખંડ, જેને ‘અમેરિકા’ નામ આપવામાં આવ્યું હતું, તેના સમાવેશવાળો વિશ્વનો નકશો તૈયાર કરવાની સિદ્ધિ કયા યૂરોપીયન કાર્ટોગ્રાફર (નકશાકાર)ના નામે લખાઈ છે?’
અમિતાભે આ માટે મયંકને આ 4 વિકલ્પ આપ્યા હતાઃ
A: અબ્રાહમ ઓર્ટેલિયસ, B: જેરાર્ડસ મર્કેટર, C: ગિયોવાની બેટિસ્ટા એગ્નેસી અને D: માર્ટિન વોલ્ડસીમ્યૂલર.
મયંકે ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફલાઈનનો સહારો લીધો હતો અને સાચો જવાબ આપ્યો હતો ‘માર્ટિન વોલ્ડસીમ્યૂલર’.
એક કરોડનું ઈનામ જીતીને મયંક રડી પડ્યો હતો અને ત્યાં હાજર એના માતાપિતા તથા અમિતાભને ભેટ્યો હતો.
અમિતાભે ત્યારે કહ્યું હતું, ‘દર્શકોને હું જણાવી દઉં કે આ સૌથી યુવાન વયનો કરોડપતિ વિજેતા છે.’
મયંકને બાદમાં અમિતાભે રૂ. સાત કરોડના ઈનામવાળો સવાલ પૂછ્યો હતો.
‘દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે રશિયાએ કયા શહેરને પુરવઠો મોકલવા બદલ સુબેદાર એન.આર. નિક્કમ અને હવાલદાર ગજેન્દ્રસિંહને ‘ઓર્ડર ઓફ ધ રેડ સ્ટાર’ એવોર્ડ આપ્યો હતો?’
તે માટે આ 4 વિકલ્પ આપવામાં આવ્યા હતાઃ
A: તબરીઝ, B: સિડોન, C: બતુમી અને D: અલમટ્ટી.
પરંતુ મયંકે ગેમ શોને ક્વિટ કરવાનું અને રૂ. 1 કરોડનું ઈનામ લેવાનું પસંદ કર્યું હતું.
આ શો સોની ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.