બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદરાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. EDએ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અશ્લીલ સામગ્રીના પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશનથી જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના સિલસિલામાં દરોડા પાડ્યા છે.

શું છે મામલો?

​​​​​​રાજ કુંદ્રાની જૂન, 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી, 2021માં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર, 2021થી તે જામીન પર છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ મામલામાં EDની ટીમ કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. વાસ્તવમાં, આ કેસમાં દેશમાં જે રૂપિયા એકઠા થયા હતા, તે આ વિડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજે પોર્ન કંપનીમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે રાજ વિરુદ્ધ ફેબ્રુઆરી, 2021માં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભાઈએ કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં વિડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (આ એક ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી હતી અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી ભારતના સાઇબર લોથી બચી શકાય.