મુંબઈઃ ગઈ કાલનો દિવસ ટેલિવિઝન મનોરંજન ઉદ્યોગ માટે ઘણો દુઃખદ રહ્યો હતો. કારણ કે આ દિવસે હિન્દી ટીવી સિરિયલ અભિનેત્રી દિવ્યા ભટનાગર (34) દુનિયાને કાયમને માટે અલવિદા કરી ગઈ. એમનાં નિધનથી હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ છે. દિવ્યાને યાદ કરીને તેની ખાસ બહેનપણી અને અભિનેત્રી-ગાયિકા દેવોલીના ભટ્ટાચાર્જી ખૂબ દુઃખી થઈ છે અને એણે દિવ્યાનાં પતિ ગગન ગબરુ પર ઘરેલુ હિંસા, દિવ્યાની જાતીય સતામણી અને અનૈતિક સંબંધોના ગંભીર આરોપ મૂક્યા છે.
‘બિગ બોસ 13’ની સ્પર્ધક દેવોલીનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું વિડિયો નિવેદન શેર કર્યું છે, જેમાં એ રડતાં રડતાં જણાવી રહી છે કે ગગન ગબરુ દિવ્યાની ખૂબ મારપીટ કરતો હતો અને એનું ઝવેરાત પચાવી પાડ્યું હતું. આવા શારીરિક તથા માનસિક ત્રાસને કારણે કોઈ પણ સ્ત્રી કોઈને કોઈ બીમારીનો ભોગ બની જાય અને આ તો કોરોના વાઈરસ જેવો જીવલેણ રોગ હતો. ગગન ગબરુના ત્રાસને કારણે જ દિવ્યાને ડાયાબિટીસ રોગ થઈ ગયો હતો. ગત્ કરવા ચોથના દિવસે પણ ગગને દિવ્યાની મારપીટ કરી હતી. દિવ્યાએ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં પણ ગગન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
દેવોલીનાએ કહ્યું કે દિવ્યા ગગન ગબરુ સાથે લગ્ન કરે એની સામે તેનાં ઘરવાળા તેમજ પોતે સખત વિરોધમાં હતા, કારણ કે ગગન હિમાચલ પ્રદેશમાં છેડતીના કેસમાં છ મહિના જેલવાસ ભોગવીને આવ્યો હતો. પરંતુ દિવ્યા ગગનનાં પ્રેમમાં અંધ બની ગઈ હતી. દેવોલીનાએ ગગન ગબરુને ખુલ્લી ધમકી આપી છે કે પોતે એને પોલીસ અને સમાજમાં ઉઘાડો પાડીને જ રહેશે. ‘ગગન ગબરુ તેં મારી બહેનપણી દિવ્યાને એટલી બધી હેરાન કરી હતી કે તે આજે અમારી વચ્ચે રહી નથી. હવે હું તને ધમકી આપું છું કે તું જેલમાં જ સડીશ. હું હવે તને એક્સપોઝ કરને રહીશ,’ એમ તેણે વધુમાં કહ્યું છે.
દિવ્યાનાં પતિને એક્સપોઝ કરતો દેવોલીનાનો વિડિયો
