મુંબઈ – લોકસભા ચૂંટણી અંગેના એક્ઝિટ પોલ્સ વિશે ગઈ કાલે કરેલા એક વિવાદાસ્પદ ટ્વીટ બદલ બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયને આજે માફી માગવી પડી છે. એણે ટ્વીટ કરીને માફી માગી છે.
વિવેકે એક્ઝિટ પોલ્સ આધારિત એક મીમ ગઈ કાલે એના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું હતું. એને કારણે એની ખૂબ જ ઝાટકણી કાઢવામાં આવી છે. સામાન્ય લોકો, નેટિઝન્સ તેમજ બોલીવૂડના કલાકારોએ પણ વિવેકની ઝાટકણી કાઢી છે. એ મીમમાં વિવેકે એક્ઝિટ પોલ્સની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચનનાં સલમાન ખાન સાથે, પોતાની સાથે અને અભિષેક બચ્ચન સાથેનાં સંબંધ સાથે કરી હતી.
આ ટ્વીટ વિવેકે રિલીઝ કર્યા બાદ તરત જ એની ટીકા શરૂ થઈ ગઈ હતી.
સોનમ કપૂર-આહુજા, સિમી ગરેવાલે ટ્વીટ કરીને વિવેકની ઝાટકણી કાઢી છે કે એનું ટ્વીટ ઘૃણાસ્પદ છે.
(આ છે એ વાંધાજનક મીમ)
વિવેકે એના આજના ટ્વીટમાં લખ્યું છે કે, ‘મને પહેલી નજરે એ મીમ મજાકિયું લાગ્યું હતું, પણ બીજાઓને એ ગમ્યું નથી. મેં છેલ્લા 10 વર્ષમાં 2000થી વધારે છોકરીઓને સશક્ત બનાવી છે. હું ક્યારેય મહિલાનું અપમાન કરવાનો વિચાર પણ કરી ન શકું.’
વિવેક આગામી હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં મોદીની ભૂમિકા કરી રહ્યો છે.
વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ વિવેકને રાષ્ટ્રીય મહિલા પંચ તરફથી નોટિસ મોકલવામાં આવી છે અને એની પાસે ખુલાસો માગ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા વિજયા રહાટકરે કહ્યું કે વાંધાજનક ટ્વીટ મામલે વિવેકને રાષ્ટ્રીય મહિલા પંચ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે મિડિયા રિપોર્ટ પરથી માલુમ પડ્યું છે કે તમે (ઓબેરોયે) એક મહિલા અને એક માસુમ બાળકીની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરીને એમનું અપમાન કર્યું છે. તમે એક્ઝિટ પોલ્સ તથા એક મહિલાનાં અંગત જીવનની ખરાબ રીતે સરખામણી કરી છે. આ પોસ્ટ મહિલાનું અપમાન સૂચવે છે. તેથી તમે આ વિશે ખુલાસો કરો.
રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષા રેખા શર્માએ કહ્યું કે, અમારી માગણી છે કે વિવેક ઓબેરોય સોશિયલ મિડિયા પર અને સંબંધિત લોકોની વ્યક્તિગત રીતે માફી માગે. જો તે એવું નહીં કરે તો એમની સામે કયા કાનૂની પગલાં લઈ શકાય એમ છે તે વિશે અમે વિચારીશું. વળી, આ ટ્વીટને ઓબેરોય તત્કાળ હટાવી લે.
httpss://twitter.com/sonamakapoor/status/1130411878960762881
httpss://twitter.com/Simi_Garewal/status/1130621112268627969