મુંબઈ – દિલ્હીમાં રહેતી એક મહિલાએ તેની પર બળાત્કાર કરાયાનો તથા છેતરપીંડી કર્યાની બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તિની પત્ની યોગીતા બાલી અને પુત્ર મહાઅક્ષય ઉર્ફે મિમોહ સામે દિલ્હીની કોર્ટમાં કેસ કર્યો છે. મિમોહે પોતાની ધરપકડ નિવારવા માટે મુંબઈ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી નોંધાવી હતી, પણ કોર્ટે એને ફગાવી દીધી છે. મિમોહ અને મદલશા શર્માનાં આવતીકાલે, 7 જુલાઈએ ઊટીમાં લગ્ન નિર્ધારિત છે. ફરિયાદી મહિલાનાં વકીલે કહ્યું છે કે એ મિમોહને એના લગ્ન પહેલા અરેસ્ટ કરાવીને જ રહેશે.
દિલ્હીની એક કોર્ટે અગાઉ જણાવ્યું છે કે પ્રાથમિક પુરાવા પોલીસ એફઆઈઆર નોંધવા માટે પર્યાપ્ત છે.
મિમોહ ચક્રવર્તિએ લગ્ન કરવાના બહાને તે મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે.
મિમોહ અને ફરિયાદી મહિલા ત્રણ-ચાર વર્ષથી રીલેશનશિપમાં હતાં. મહિલાનો આરોપ છે કે પોતાને દવા આપીને ગર્ભપાત કરાવવાની મિમોહે ફરજ પાડી હતી.
મહિલાનો આરોપ છે કે યોગીતા બાલીએ પોતાને ધમકી આપી હતી.
મિમોહ ચક્રવર્તિની ફિયાન્સીની માતાનો સવાલ
દરમિયાન, મિમોહનાં લગ્ન મદલસા શર્મા સાથે નક્કી થયા છે. મદલસાની માતા શીલા શર્મા, જે એક અભિનેત્રી છે, એમણે કહ્યું છે કે ફરિયાદી મહિલાએ મિમોહ સામે આટલા લાંબા વખત પછી કેમ ફરિયાદ કરી? મિમોહ અને મદલસાનાં લગ્ન આડે હવે માત્ર અમુક દિવસો જ રહ્યા છે ત્યારે એ કેમ ફરિયાદ લઈને આવી છે?
શીલા શર્માએ એમ પણ કહ્યું છે કે મિમોહ ફરિયાદી મહિલાને 2015માં મળ્યો હતો અને અમને એની જાણ હતી. એ મહિલાએ પગલું ભરવા માટે આટલા લાંબા સમય સુધી રાહ કેમ જોઈ?