બોલીવૂડના દિગ્ગજ અભિનેતા કાદરખાનનું 81 વર્ષની વયે નિધન

ટોરેન્ટોઃ બોલીવુડના દિગ્ગજ એક્ટર-રાઈટર કાદરખાનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેમના દિકરા સરફરાઝ ખાને કાદરખાનના નિધનની પુષ્ટિ કરી છે. કેનેડાની હોસ્પિટલમાં કાદરખાને અંતિમ શ્વાસ લીધા.


થોડા સમય પહેલા જ કાદરખાનને ગંભીર બીમારી થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ તેમના મૃત્યુની અફવા ઉડી હતી પરંતુ કાદરખાનના દિકરા સરફરાઝે કહ્યું હતું કે આ વાતો ખોટી છે અને માત્ર અફવા છે મારા પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટર્સે તેમને રેગ્યુલર રેગ્યુલર વેન્ટિલેટરથી હટાવીને BiPAP વેન્ટિલેટર પર રાખ્યા હતા.

કેનેડામાં કાદર ખાનની સારવાર ચાલી રહી હતી. તેમની સલામતી માટે અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કર્યું હતું. પરંતુ દુઃખની વાત એ છે કે લોકોને પેટ પકડીને હસાવનારા અભિનેતા હવે આપણી વચ્ચે રહ્યા નથી.


કાદરખાન બોલીવૂડના એક ઉચ્ચ કોટીના કલાકાર હતા. તેમની અને ગોવિંદાની જોડીને ફિલ્મી પડદા પર ખૂબ લોકોએ પસંદ કરી. આમાં દરિયા દિલ, રાજા બાબૂ, કુલી નંબર 1, છોટે સરકાર, આંખે, તેરી પાયલ મેરે ગીત, આન્ટી નંબર 1, હીરો નંબર 1, દીવાના મૈ દીવાના, દુલ્હે રાજા, અખિયો સે ગોલી મારે સહિતની ફિલ્મો કરી.

કાદરખાને ખલનાયક અને તમામ ચરિત્ર ભૂમિકાઓ કરી છે. તેમણે ઘણી ફિલ્મોના જાણીતા સંવાદો પણ લખ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓએ શારિરિક અસ્વસ્થતાના કારણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી.