‘દર્શકો કન્ટેન્ટ માગે છે, મોટા સ્ટાર્સ નહીં, એટલે જ 2018માં ખાન અભિનેેતાઓની ફિલ્મો પણ પીટાઈ ગઈ’

મુંબઈ – બોલીવૂડમાં અત્યાર સુધી એવી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હતી, કે ખાન અભિનેતાઓમાંથી કોઈને પણ હિરો તરીકે ચમકાવો, ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ જશે, દર્શકો પસંદ કરશે. પરંતુ 2018નું વર્ષ ક્રાંતિકારી બની રહ્યું, કારણ કે દર્શકો હવે જાગ્યાં છે. એમણે કન્ટેન્ટના નામે મીંડું એવી ખાન અભિનેતાઓની ફિલ્મો – રેસ 3 (સલમાન ખાન), ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (આમિર ખાન), ઝીરો (શાહરૂખ ખાન)ને નકારી કાઢી છે.

એની જગ્યાએ અંધાધૂન, સ્ત્રી, બધાઈ હો જેવી ઓછા બજેટવાળી, નાના કલાકારોવાળી, પણ ક્વાલિટીવાળી ફિલ્મોને દર્શકોએ પસંદ કરી.

2018ના વર્ષમાં ફિલ્મોની દ્રષ્ટિએ દર્શકોના ટેસ્ટમાં ઘણો સારો ફેરફાર આવેલો જોવા મળ્યો.

લોકોને મસમોટા બજેટવાળી, ધુરંધર સ્ટાર્સવાળી ફિલ્મો જ ગમે છે એવું હવે રહ્યું નથી.

નાના બજેટવાળી અને નાના અદનાં કલાકારોવાળી, પણ સારી વાર્તા-કન્ટેન્ટવાળી ફિલ્મો પણ ચોક્કસપણે ચાલે છે.

વળી, લોકોને મહિલાપ્રધાન ફિલ્મો પણ વધારે ગમે છે. જેમ કે, રાઝી, હિચકી, પદમાવત.

ગિરીશ જોહર નામના ફિલ્મ ટ્રેડ બિઝનેસ એક્સપર્ટનું કહેવું છે કે વીતી ગયેલા વર્ષમાં મોટા સ્ટારને ચમકાવતી, મોટા બજેટવાળી ઘણી ફિલ્મો પહેલા દિવસે કમાણી કરતી જરૂર જોવા મળી, પણ ત્યારબાદના દિવસમાં એ ફ્લોપ સાબિત થઈ. આમાં, દર્શકો ખાસ કરીને ખાન અભિનેતાઓને જ નકારતા આવ્યા એવું નથી, એમને જે ફિલ્મોમાં કસ ન હોય, કન્ટેન્ટ ન હોય એવી ફિલ્મો પસંદ પડી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]