ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીમાં આત્મહત્યા કરી

વારાણસીઃ ભોજપુરી ફિલ્મોની 25 વર્ષની અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરીને જીવનને ટૂંકાવી લીધું છે. વારાણસીમાં સારનાથ હોટેલની રૂમમાં આજે એ લટકતી હાલતમાં મૃત મળી આવી હતી. અભિનેતા-ગાયક પવન સિંહ સાથે આકાંક્ષાનો નવો મ્યુઝિક વિડિયો સત્તાવાર રીતે રિલીઝ કરાયો એના અમુક કલાકો પહેલાં જ આકાંક્ષાએ આત્મહત્યા કર્યાંના સમાચાર આવ્યા હતા. તે એક ફિલ્મના શૂટિંગ માટે વારાણસી આવી હતી. પોલીસે એનાં પરિવારજનોને જાણ કરી હતી. આકાંક્ષાનો જન્મ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયો હતો.

આકાંક્ષા સોશિયલ મિડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. તે ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાનાં ડાન્સ રીલ્સ શેર કરતી હતી. ‘યે યારા કભી હારા નહીં’ શિર્ષકવાળો મ્યુઝિક વિડિયો યૂટ્યૂબ પર રિલીઝ કરાયાના પાંચ કલાકમાં જ તેના પાંચ લાખ વ્યૂઝ આવી ગયા હતા. આ ગીત પવન સિંહ અને શિલ્પી રાજે ગાયું છે. ગીત આકાંક્ષા અને પવન સિંહ પર ફિલ્માવાયું છે.

આકાંક્ષાએ 17 વર્ષની વયે ભોજપુરી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. એ ફિલ્મ હતી – ‘મેરી જંગ મેરા ફૈસલા’. તે પછી એની ‘મુજસે શાદી કરોગી (ભોજપુરી)’, ‘વીરોં કા વીર’, ‘ફાઈટર કિંગ’, ‘કસમ પૈદા કરને વાલે કી 2’ તથા અન્યો ફિલ્મો રિલીઝ થઈ હતી.