અક્ષયની ‘પૃથ્વીરાજ’ની રિલીઝ ઓમિક્રોનને કારણે મુલતવી

મુંબઈઃ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ ફેલાતાં અને કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા હોવાથી અક્ષયકુમારને શીર્ષક ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝને મુલતવી રાખવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે. એમનું માનવું છે કે ‘પૃથ્વીરાજ’ ફિલ્મ લોકોને મોટી સંખ્યામાં થિયેટરો તરફ આકર્ષિત કરે એવી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકો થિયેટરમાં જવાનું ટાળવાનું પસંદ કરશે તેથી કોઈ હેતુ નહીં સરે. બિઝનેસની દ્રષ્ટિએ પણ હાલને તબક્કે તેને રિલીઝ કરવી ઉચિત નથી. દેશના પાટનગર નવી દિલ્હી તથા અન્ય મોટા શહેરોમાં કોરોના-વિરોધી નિયંત્રણો લાગુ કરાયા છે અને થિયેટરો બંધ રાખવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. નિર્માતા આદિત્ય ચોપરા અને એમની નિર્માણ કંપની યશરાજ ફિલ્મ્સ ‘પૃથ્વીરાજ’ ફિલ્મની રિલીઝની નવી તારીખ બાદમાં જાહેર કરશે.

ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મ સાથે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે બોલીવુડમાં એન્ટ્રી કરી છે.