અક્ષય-જેક્લીન ‘રામ સેતુ’ના શૂટિંગ માટે દમણમાં

દમણઃ અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ એમની નવી ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગ માટે દમણ પહોંચી ગયાં છે.  ‘રામ સેતુ’ના દિગ્દર્શક છે અભિષેક શર્મા, જેમણે ‘તેરે બિન લાદેન’ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં અક્ષય અને જેક્લીન ઉપરાંત નુસરત ભરુચા અને સત્યદેવની પણ મહત્ત્વની ભૂમિકા છે. ફિલ્મના શૂટિંગનો શુભારંભ ગયા વર્ષના માર્ચમાં અયોધ્યામાં કરવામાં આવ્યો હતો.

ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ ગયા વર્ષે કરવાનું નિર્ધારવામાં આવ્યું હતું. કલાકારો અને યૂનિટના સભ્યો એ માટે શ્રીલંકા જવાના હતા, પરંતુ કોરોનાવાઈરસ બીમારીને કારણે શૂટિંગની પરવાનગી આપવામાં આવી નહોતી. તેથી હવે શૂટિંગ દમણની ધરતી પર, નારગોલ બીચ પર શૂટિંગ કરવામાં આવશે. આ શેડ્યૂલમાં ભરપૂર એક્શન હશે. ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે, જે અક્ષયકુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’નાં દિગ્દર્શક રહ્યા છે. જેક્લીન પાસે રામ સેતુ ઉપરાંત સર્કસ, કિક 2, બચ્ચન પાંડે અને અટેક જેવી ફિલ્મો પણ છે.