મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) સંસ્થાની અન્નમિત્ર મિડડે મીલ યોજના અંતર્ગત ૧૦૦૦ ગરીબ બાળકો માટે મફત ભોજન સ્પોન્સર કરશે.
ઐશ્વર્યાએ આ નિર્ણય ગઈ ૧ નવેમ્બરે પોતાનાં ૪૪મા જન્મદિવસે લીધો હતો.
ઈસ્કોન સંસ્થાના વડા રાધાનાથ સ્વામી મહારાજે કહ્યું છે કે ઐશ્વર્યાનાં આ નિર્ણયથી ગરીબ બાળકોને ખૂબ જ લાભ થશે.
૨૦૦૪માં એક નાનકડા રૂમમાં ૯૦૦ ભોજન સાથે અન્નમિત્ર ફાઉન્ડેશનની મિડડે મીલ યોજના શરૂ કરવામાં આવી હતી. આજે સાત રાજ્યોમાં ૨૦ આધુનિક સુવિધાઓથી સંપન્ન ISO સર્ટિફાઈડ રસોઈઘરો દ્વારા ૧૨ લાખ બાળકોને જમાડવામાં આવે છે.
ઈસ્કોન સંસ્થાના સ્થાપક ભક્તિવેદાંત શ્રીલા પ્રભુપાદે એક વાર એક કચરાપેટીમાં ફેંકી દેવામાં આવેલા એક ફૂડ પેકેટ માટે એક કૂતરા અને એક બાળકને ઝઘડતા જોયા હતા અને એ બનાવથી તેઓ હચમચી ગયા હતા, એમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.
ત્યારબાદ ભક્તિવેદાંત સ્વામીએ એમના તમામ અનુયાયીઓને સૂચના આપી હતી કે ઈસ્કોન મંદિરના ૧૦ માઈલના ક્ષેત્રફળને આવરી લેતા વિસ્તારમાં એક પણ બાળક ભૂખ્યો રહેવો ન જોઈએ. ત્યારથી આ મંદિર છેલ્લા ૧૩ વર્ષથી મંદિરની આસપાસના વિસ્તારમાં ગરીબ લોકોને ખીચડી રૂપે ક્રિષ્ના પ્રસાદ ખવડાવે છે. તેમજ અન્નમિત્ર ફાઉન્ડેશનની યોજનાઓ દ્વારા બીજાં લાખો લોકોને જમાડે છે.
હાલમાં જ નવી મુંબઈ મહાનગરપાલિકાએ ઈસ્કોન સંસ્થા સાથે મળીને મહાપાલિકા સંચાલિત ૧૭ શાળાઓમાં ધોરણ ૯ અને ૧૦ના ૫,૦૯૯ વિદ્યાર્થીઓને મિડડે મીલ ભોજન જમાડ્યું હતું.