લોન્ચ થયું ‘ટાઈગર ઝિંદા હૈ’નું ટ્રેલર; એક્શન, રોમાંચથી ભરપૂર

મુંબઈ – યશરાજ ફિલ્મ્સે પોતાની આગામી ફિલ્મ, ઍક્શન થ્રિલર ‘ટાઈગર ઝિંદા હૈ’નું ટ્રેલર ટ્વિટર પર રજૂ કર્યું છે. જો કે એ પહેલાં વહેલી સવારે યશરાજે પત્રકારોને એ જોવા પોતાના સ્ટુડિયોમાં નિમંત્ર્યા હતા. ૨૦૧૨માં આવેલી અને સુપર હિટ થયેલી ‘એક થા ટાઈગર’ની સિક્વલ અથવા ભાગ બીજો એવી ‘ટાઈગર ઝિંદા હૈ’ના ત્રણ મિનિટ સાત સેકન્ડ્સના દિલધડક ટ્રેલરને મોટા પરદા  જોયા બાદ ‘ચિત્રલેખા’એ એના ડિરેક્ટર અલી ફૈઝલ સાથે વાતચીત કરી ત્યારે અલી ફૈઝલે ધડાકો કરતાં કહ્યું કે ‘ટાઈગર ઝિંદા હૈ’ની વાર્તા મેં લખી ત્યારે મને ખબર નહોતી કે એ ‘એક થા ટાઈગર’ની સિક્વલ તરીકે બનાવવામાં આવશે.

સલમાન ખાન-અનુષ્કા શર્માને ચમકાવતી સુપરહિટ ‘સુલતાન’ સર્જનારા આ યુવા ડિરેક્ટરે કહ્યું કે ત્રણેક વર્ષ પહેલાં મૂળ કેરળની ૪૬ જેટલી નર્સને ઈરાકના મોસૂલમાં ત્રાસવાદ સંગઠન ISIS દ્વારા બંદી બનાવવામાં આવેલી. એ પછીની નાટ્યાત્મક ઘટનાઓમાં એમનો છુટકારો થયો હતો. આ સમાચાર વાંચીને મને ‘ટાઈગર ઝિંદા હૈ’ની વાર્તા સૂઝી. ત્યાર બાદ ‘એક થા ટાઈગર’નાં જાસૂસ, ભારતનો ટાઈગર (સલમાન ખાન) અને પાકિસ્તાનની ગુપ્તચર યુવતી ઝોયા (કેટરીના કૈફ)ને આ નર્સોને છોડાવવાના મિશન પર મોકલવામાં આવે તો? એવા વિચાર સાથે નિર્માતા આદિત્ય ચોપરાએ અને મેં ફરીથી એની પર કામ કરવાની શરૂઆત કરી અને લો, ફિલ્મ તૈયાર છે.

‘ટાઈગર ઝિંદા હૈ’ના ડિરેક્ટર અલી ફૈઝલ

કોઈ એક સમયે ‘એક થા ટાઈગર’ના ડિરેક્ટર કબીર ખાનના સહાયક રહી ચૂકેલા અલી ફૈઝલે કબૂલ્યું કે સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવાની હોય ત્યારે એક પ્રેશર તો હંમેશાં રહેતું જ હોય છે.

આવી ૨૨મી ડિસેમ્બરે રિલીઝ થનારી ‘ટાઈગર ઝિંદા હૈ’માં સલમાન ખાન-કટરીના કૈફ ઉપરાંત ગિરીશ કરનાડ, પરેશ રાવલ, અંગદ બેદી, તથા ટેરરિસ્ટ ઑર્ગેનાઈઝેશનના નેતાની ભૂમિકામાં સજ્જાદ ડેલાફ્રૂઝ ચમકી રહ્યા છે. સંગીત વિશાલ-શેખરનું છે.

(અહેવાલ અને તસવીરોઃ કેતન મિસ્ત્રી)

(જુઓ ‘ટાઈગર ઝિંદા હૈ’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=ePO5M5DE01I&feature=youtu.be

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]