શું ઈલોન મસ્ક હવે બ્રિટિશ PMને હટાવવા માગે છે?

અમેરિકા: ટેસ્લાના CEO અને અમેરિકન રાજકારણમાં ચર્ચાતું નામ એટલે ઈલોન મસ્ક, હવે બ્રિટિશ રાજકારણમાં દખલગીરી કરી રહ્યાંનો રિપોર્ટ સામે આવ્યો છે. જે અનુસાર મસ્કે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરને પદ પરથી હટાવવા માટે પોતાના સહયોગીઓની સાથે ગુપ્ત ચર્ચા કરી છે. મસ્કે ઘણી વખત જાહેરમાં કીર સ્ટાર્મરના રાજીનામાની માગ કરી છે. સ્ટાર્મર પર મસ્કના પ્રહારનું કારણ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ છે. જેના વિશે મસ્કનો દાવો છે કે, જ્યારે સ્ટાર્મર ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યૂશન હતા, ત્યારે તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી નહોતી. મસ્કનો આરોપ છે કે ‘2008થી 2013ની વચ્ચે સ્ટાર્મર ગોરી યુવતીઓ સાથે દુષ્કર્મ કરનાર પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ સામે કેસ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.’ઇલોન મસ્કે પોતાના સહયોગીઓની સાથે બ્રિટનમાં લેબર સરકારને અસ્થિર કરવા અને બીજા રાજકીય આંદોલનો માટે સમર્થન કરવાનું આયોજન બનાવ્યું છે. મસ્કનું માનવું છે કે પશ્ચિમી સભ્યતા જોખમમાં છે અને આ માટે તે બ્રિટનની વર્તમાન સરકારને જવાબદાર ઠેરવે છે.

અમેરિકામાં ટ્રમ્પનું સમર્થન અને મસ્કની ભૂમિકા

ઈલોન મસ્કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારનું સમર્થન કર્યું હતું અને હવે તેઓ બ્રિટિશ રાજકારણમાં પણ પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મસ્કનું માનવું છે કે ‘મારી મદદથી સત્તાનું પરિવર્તન શક્ય છે, જેમ કે તેમણે અમેરિકામાં ટ્રમ્પની જીતની સાથે સાબિત કર્યું છે.’ઈલોન મસ્કના આરોપોથી કીર સ્ટાર્મરની વધતી મુશ્કેલીઓ

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકાર અત્યારે બેકફૂટ પર છે. આનું કારણ છે ઈલોન મસ્કના આરોપ. મસ્કના આરોપો બાદ વિપક્ષી કંઝર્વેટિવ પાર્ટીએ ઉત્તર ઈંગ્લેન્ડમાં બાળકો વિરુદ્ધ દાયકા જૂના યૌન શોષણના ગુનાની નવી રાષ્ટ્રીય તપાસની માગ કરી છે. મસ્કનો દાવો છે કે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગના મામલે સ્ટાર્મરે પોતાના કાર્યકાળ દરમિયાન યોગ્ય કાર્યવાહી કરી નહોતી.પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગનો મુદ્દો

પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગના નામથી જાણીતી આ ગેંગ ઉત્તર ઈંગ્લેન્ડના શહેરોમાં સક્રિય છે. તેઓ ગોરી બ્રિટિશ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું યૌન શોષણ કરે છે. તેમને નશાની લત લગાવે છે અને તેમનું જીવન બરબાદ કરે છે. આ ગેંગના મોટાભાગના સભ્ય પાકિસ્તાની મૂળના છે.