ગાંધીનગર: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી-બફારો જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો વાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને હીટવેવ અને માવઠાની આગાહી કરી છે. મંગળવારે (1 એપ્રિલ 2025ના રોજ) સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 3 એપ્રિલ, 2025 સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 17 જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
પોરબંદર-ગીર સોમનાથમાં હીટવેવનું યલો એલર્ટ
રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાની આગાહી કરી છે. મંગળવારે હવામાન વિભાગલ અનુસાર પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં મંગળવારે (1 એપ્રિલ, 2025) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 2-3 એપ્રિલની આગાહી
રાજ્યમાં 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને 3 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.
