સીમાંકન બિલ પર DMK મોદી સરકારને ટેકો આપે એવી શક્યતા

નવી દિલ્હીઃ સીમાંકન બિલને લઈને કોંગ્રેસના સાંસદ મનોજ કુમારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે બુધવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન તેમની ડીએમકેના કેટલાક સાંસદો સાથે વાતચીત થઈ હતી. મનોજ કુમારના જણાવ્યા મુજબ જ્યારે તેમણે સીમાંકન બિલ અંગે પાર્ટીનું વલણ પૂછ્યું ત્યારે સાંસદોએ કહ્યું હતું કે કેટલીક શરતો સાથે તેઓ સરકારને સમર્થન આપે એવી શક્યતા છે.

જોકે મનોજ કુમારે કહ્યું હતું કે તેમને તે શરતોની ચોક્કસ વિગતો યાદ નથી. તેમણે આ વાતને પોતાના માટે આશ્ચર્યજનક ગણાવી હતી, કારણ કે તેમને લાગતું હતું કે ડીએમકે ક્યારેય આ બિલને ટેકો નહીં કરે. તેમણે કહ્યું હતું કે 30 નવેમ્બર સુધી રાહ જોવી પડશે અને પાર્ટીનો અંતિમ નિર્ણય તેના ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

બીજી તરફ, ડીએમકેના પ્રવક્તા ટીકે એસ એલંગોવનએ કહ્યું હતું કે પાર્ટીએ અગાઉના સીમાંકન બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ નવા બિલની સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે પહેલાં એ જોવું પડશે કે સરકારે નવા બિલમાં શું ફેરફારો કર્યા છે અને શું તેનાથી રાજ્યોનાં હિતો પર અસર પડશે. જો નવા બિલમાં રાજ્યોની ચિંતાઓ અને તેમના સૂચનોને સ્થાન આપવામાં આવ્યું હશે, તો પાર્ટી તેના પર વિચાર કરી શકે છે.

30 નવેમ્બરથી શરૂ થશે સંસદનું વિશેષ સત્ર

હકીકતમાં, સંસદના વિશેષ સત્ર પહેલાં સીમાંકન અને મહિલા અનામતને લઈને રાજકીય સમીકરણોની ચર્ચા ચાલી રહી છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ ગુરુવારે જણાવ્યું કે સરકારે લોકસભાની બેઠક 30 નવેમ્બર અને રાજ્યસભાની બેઠક બીજી ડિસેમ્બરે બોલાવવાની ભલામણ કરી છે. જરૂરી સરકારી કામકાજ બાદ સત્ર 3 ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ શકે છે. જોકે, વિશેષ સત્રનો એજન્ડા હજુ જાહેર કરવામાં આવ્યો નથી.