પ્રશ્ન : શું ડાયાબિટીસ હોય તો ભાત બિલકુલ ન ખાઈ શકાય?
– હર્ષ ઠક્કર (અમદાવાદ)
ઉત્તર : ભાત આમ તો સરળતાથી પચી શકે એવો આહાર છે. જોકે લોકો ભાત ખાવાથી ખૂબ ડરે છે, એમાં પણ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો. અલબત્ત, ડાયાબિટીસ હોય તો ભાત ખાવાનું સાવ બંધ કરવાની જરૂર નથી. ભાતનું પ્રમાણ નિયંત્રિત રાખીને અને સંતુલિત ભોજનના ભાગરૂપે લેવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે.
આપણે ભાત સામાન્ય રીતે દાળ કે કોઈ કઠોળની સાથે ખાઈએ છીએ, જેને કારણે ભોજનમાં પ્રોટીન અને જરૂરી એમિનો ઍસિડનું સંતુલન વધુ સારું બને છે. દાળ અને ભાતનું સંયોજન ભોજનને વધુ પોષણક્ષમ બનાવે છે. આ ઉપરાંત, આપણે દાળ-ભાતની સાથે શાક પણ લઈએ છીએ, જેમાં ફાઇબરનું પ્રમાણ હોય છે. ફાઇબર બ્લડ શુગર ઝડપથી વધવાની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદરૂપ બને છે.
આપણી ભારતીય ભોજનપદ્ધતિમાં આપણે હાથથી ભોજન લઈએ છીએ. ભોજન શાંતિથી અને ધીમે-ધીમે ચાવીને ખાવાથી ખોરાકનું પ્રમાણ જાળવવામાં મદદ મળી શકે છે. છતાં પણ તમને ભાત ખાતાં ડર લાગતો હોય તો તમે તેની સાથે સૅલડ કે ફણગાવેલા મગ લઈ શકો છો. તેનાથી ભોજનમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધશે અને બ્લડ શુગર ઝડપથી વધવાની શક્યતા ઓછી થઈ શકે છે.
આપણી પરંપરાગત વાનગીઓનો સંતુલિત આહારમાં સમાવેશ કરી શકાય છે, પરંતુ એ યોગ્ય અને નિયંત્રિત પ્રમાણમાં લેવી જરૂરી છે.

પ્રશ્ન : સૅચ્યુરેટેડ ફૅટ ખરાબ કઈ રીતે બની શકે? એનાથી આપણને શું નુકસાન થાય છે?
– પ્રતીક પંડિત (મુંબઈ)
ઉત્તર : સૅચ્યુરેટેડ ફૅટ એટલે કે સંતૃપ્ત ચરબીનું વધુપડતું સેવન તમારા લોહીમાં LDL (લો ડેન્સિટી લાઇપોપ્રોટીન) એટલે કે ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ વધારી શકે છે. એને કારણે ધમનીઓમાં ચરબી અને કૉલેસ્ટરોલની પરત (પ્લેક) જમા થઈ શકે છે, જે લોહીના પ્રવાહને અવરોધી શકે છે. આ સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે, જેને કારણે હૃદયરોગ અને સ્ટ્રોક થવાનું જોખમ વધી શકે છે.
બીજું, સૅચ્યુરેટેડ ફૅટ સહિત તમામ પ્રકારની ચરબીના એક ગ્રામમાંથી નવ કૅલરી મળે છે. આ પ્રમાણ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ કરતાં બમણાથી પણ વધુ છે. આથી ચરબીયુક્ત ખોરાકનું વધુપડતું સેવન કરવાથી શરીરમાં વધારાની કૅલરી જવાની શક્યતા રહે છે, જેને કારણે વજન વધી શકે છે.
બટર, ઘી, ચીઝ, વધુ ફૅટવાળું દૂધ, ચરબીયુક્ત માંસ, મલાઈ, આઇસક્રીમ, પામ ઑઇલ, કેક, પેસ્ટ્રીઝ, અમુક પ્રકારની મીઠાઈ તથા કેટલાક પૅકેટબદ્ધ નાસ્તામાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધારે હોઈ શકે છે.
ટૂંકમાં સમજીએ તો, સંતૃપ્ત ચરબીનું વધુપડતું સેવન કરવાથી ખરાબ કૉલેસ્ટરોલ વધી શકે છે અને ધમનીઓમાં અવરોધ ઊભો થવાનું જોખમ વધી શકે છે. એને લીધે હૃદયરોગ તથા સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. આથી તેનો ઉપયોગ મર્યાદિત રાખવો વાજબી છે. શક્ય હોય ત્યાં સંતૃપ્ત ચરબીના બદલે અસંતૃપ્ત ચરબી ધરાવતા ખાદ્યપદાર્થોનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો હિતાવહ છે.
પ્રશ્ન : હું 45 વર્ષની ગૃહિણી છું અને સ્વાસ્થ્ય માટે ખૂબ સભાન છું. હું મીઠું (સૉલ્ટ) લેવામાં બહુ ધ્યાન રાખું છું અને લો-ફૅટ ડાયેટ લઉં છું. મને કોઈ બીમારી નથી, પરંતુ મારા પરિવારમાં પિતા અને કાકા સહિતના ઘણા લોકોને હૃદયની વ્યાધિ છે. મારે એ જાણવું છે કે ઓછું મીઠું ધરાવતો આહાર લેવામાં કોઈ વાંધો તો નહીં ને?
– પ્રીતિ શાહ (નવસારી)
ઉત્તર : તમે તમારા સ્વાસ્થ્ય માટે જાગ્રત છો એ ખૂબ સારી વાત છે. તમારા પરિવારનો હૃદયરોગનો ઇતિહાસ જોતાં એ વાજબી પણ છે. મીઠાનો નિયંત્રિત ઉપયોગ બ્લડ પ્રેશર અને હૃદયરોગનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે મીઠામાં રહેલું સોડિયમ આપણા શરીરમાં અગત્યની ભૂમિકા ભજવે છે. શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવા ઉપરાંત ચેતાતંત્ર અને સ્નાયુઓની યોગ્ય કામગીરી માટે પણ સોડિયમ જરૂરી છે.

સોડિયમનું વધુપડતું સેવન બ્લડ પ્રેશર અને હૃદયરોગનું જોખમ વધારી શકે છે. જોકે મીઠું ઓછું ખાવાથી જ હાઈ બ્લડ પ્રેશર કે હૃદયરોગનું જોખમ સંપૂર્ણપણે ટળી જાય એવું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ભલામણ મુજબ પુખ્ત વયની વ્યક્તિએ દિવસભરમાં પાંચ ગ્રામથી ઓછું મીઠું લેવું જોઈએ. આ પ્રમાણ લગભગ એક નાની ચમચી જેટલું થાય છે. તેમાં રસોઈમાં ઉમેરેલા મીઠા ઉપરાંત અન્ય ખાદ્યપદાર્થોમાં રહેલા મીઠાનો પણ સમાવેશ થાય છે.
અથાણાં, પાપડ, નમકીન, ચિપ્સ અને પૅકેટબદ્ધ ખાદ્યપદાર્થોનું સેવન મર્યાદિત રાખવું જોઈએ. સામાન્ય રીતે આયોડિનયુક્ત મીઠાનો નિયંત્રિત ઉપયોગ કરવો હિતાવહ છે. તમારા પરિવારનો હૃદયરોગનો ઇતિહાસ ધ્યાનમાં રાખીને બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કૉલેસ્ટરોલની સમયાંતરે તપાસ કરાવવી પણ યોગ્ય રહેશે.
પ્રશ્ન : મારી ઉંમર 35 વર્ષ છે. મને થોડા સમયથી ઍસિડિટીની સમસ્યા વારંવાર થાય છે, તો ખાવા-પીવામાં ફેરફાર કરવાથી કંઈ ફાયદો થાય?
– પ્રણવ દવે (અમદાવાદ)
ઉત્તર : ઘણી વખત બહારનો ચરબીયુક્ત આહાર અથવા વધુપડતો તીખો અને મસાલેદાર ખોરાક લેવાની આદતને કારણે ઍસિડિટીની તકલીફ વધી શકે છે. જો એવું હોય તો આવા ખાદ્યપદાર્થોનું સેવન મર્યાદિત કરવું.
વધુ મસાલાવાળી વાનગીઓને બદલે ઓછા તીખા અને ઓછા મસાલાવાળા આહારની પસંદગી કરવી. ભૂખ લાગે ત્યારે તળેલા નમકીનની જગ્યાએ અનુકૂળ આવે એવાં ફળો, મર્યાદિત પ્રમાણમાં નટ્સ અથવા શેકેલા નાસ્તા લેવાનું રાખવું.

પાણી પૂરતા પ્રમાણમાં પીવાય એનું ધ્યાન રાખવું. ભોજન શાંતિથી અને વ્યવસ્થિત ચાવીને ખાવું. કટાણે ખાવાની આદત હોય તો તેમાં સુધારો કરવો. ભોજન કે નાસ્તો સમયસર લેવાનું ધ્યાન રાખવું.
એકસાથે વધુપડતું ભોજન લેવાને બદલે જરૂર મુજબ ઓછા પ્રમાણમાં ભોજન લેવું. રાત્રિભોજન કર્યા પછી તરત સૂઈ જવાને બદલે ઓછામાં ઓછા બે-ત્રણ કલાકનો સમયગાળો રાખવો.
આહાર અને જીવનશૈલીમાં આવા ફેરફારો કરવાથી ઍસિડિટીની તકલીફમાં રાહત મળી શકે છે. તેમ છતાં જો ઍસિડિટીની સમસ્યા વારંવાર થતી હોય અથવા લાંબા સમય સુધી ચાલુ રહેતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)


