અમદાવાદ : આ વર્ષે દિવાળીના તહેવારોમાં વચ્ચે એક પડતર દિવસ આવ્યો. જેમાં ફટાકડાંની મોજ માણતાં લોકોએ ભરપૂર આનંદ લીધો. અંધકારમાંથી ઉજાસ લાવતી દીપોત્સવીમાં દરેક પ્રાંતની પરંપરાઓ પણ હજુ અકબંધ છે. જેમાંની એક પરંપરા છે. મેર મેરાયુ જેનું બીજું નામ ગાગમાગડી પણ છે આવી પ્રચલિત પ્રથાની દરેક પ્રાંત આગવી શૈલીમાં ઉજવણી કરે છે. આ વખતે અમદાવાદમાં જ શેરડીના સાંઠા અને મજબુત ડંડા પર મેર મેરાયુમાં પણ વિવિધતા જોવા મળી.

બહુચરાજી પાસેના ચાંદણકી ગામના દિનેશભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે શેરડીના સાંઠા સાથે દીવડાં તો બાંધેલા જોવા મળ્યા. આ સાથે આ વર્ષે કલરફૂલ ગાગ માગડી જોવા મળી. અમારું ગામ બારે મહિના વડીલો જ સાચવતા હોય છે. યુવાનો નાના મોટા શહેરોમાં કે વિદેશમાં રોજગારી માટે જાય છે. પણ દિવાળીએ સૌ ગામમાં આવી તહેવારોની ઉજવણી કરે. જેમાં મેર મેરાયુમાં આખુંય ગામ જોડાય. ફટાકડાની મોજ માણી સૌ પ્રભાતફેરી પણ કરે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી ઉત્સવ ઉજવે છે.

અમદાવાદના મયુરભાઈ કહે છે દિવાળીના દિવસે સાંજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેર મેરાયુની પ્રથા પ્રચલિત છે. જેને લોકો કાગ માગડી કે ગાગ માગડી પણ કહે છે. મેર મેરયુને શેરડીનાં સાઠામાંથી બનાવામાં આવે છે. શેરડીના ચાર ચીરા પાડવામાં આવે એના પર દીવડાં કે નારિયેળની કાચલી મૂકવામાં આવે છે. આ દીવડાં કે નારીયેલની કાચલીમાં કપાસનાં રૂની હાથે બનાવેલી જાડી વાટ તેલમાં બોળવામાં આવે છે. એની આજુબાજુ સફેદ કાપડ વીંટળી એના પર કેટલીક જગ્યાએ છાણનું લીંપણ પણ કરવામાં આવે છે. ગાગ માગડી- મેર મેરાયુની જ્યોત પ્રગટે એટલે મશાલ જેવી દેખાય. દિવાળીના દિવસે સાંજે અંધારું થાય ત્યારે એમાં તેલ પૂરી વાટ સળગાવી લોકોના ઘરે ઘરે ફરીને લોકો સાદ પાડે મેર મેરૈયા તેલ પુરાવે છે.

આમ લોકો તેલ પુરાવી દીવાને અજવાળે-અજવાળે રાતના અંધારામાં ગામમાં ફરે. એ પછી ગામના પાદરે કે સોસાયટીના નાકે જઈ રેતમાં મેર મેરાયુ રોપે. જેથી ગામની નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઊર્જાનું આગમન થાય. ત્યારબાદ બાળકો સાથે સો ફટાકડા ફોડતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)





