પવિત્ર અધિક માસ એટલે જપ, તપ, ભક્તિ અને દાનનો મહિનો. ભાવિકો આ મહિનામાં વિશેષ પુજા-અર્ચના કરે છે. ત્યારે મુંબઈ સ્થિત જુહુ વલ્લભનીધિ મંદિરમાં જુદા-જુદા ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત શ્રી વલ્લભાચાર્યજીના ચોર્યાસી વૈષ્ણવોએ જે સેવા કરી હતી, એમની વાર્તાઓનું 70 મીટરના કપડા પર મનોરમ્ય પેઈન્ટીંગથી દિવાલગીરી તૈયાર કરવામાં આવી રહી છે.
ચોર્યાસી પુસ્તકોનું પઠન કરતા દિવાલગીરી તૈયાર કરવાનો વિચાર આવ્યો
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હવેલીના મુખ્યા અમૃતભાઇ પંડયા કહે છે, ચોર્યાસી પુસ્તકોનું પઠન કરતા મારા મનમાં આ દિવાલગીરી તૈયાર કરવાનો વિચાર આવ્યો. જેની વાત મેં પિછવાઇ ગ્રુપના સોનલબેન અને આરતીબેનને કરી, બંને બહેનો મંદિરમા ઘણા વર્ષોથી સેવા કરે છે. સાથે જ ડ્રોઇંગના શિક્ષક પણ છે. દિવ્ય કાર્ય કરવા માટે પિછવાઇ ગ્રુપની તમામ બહેનોએ તૈયારી દર્શાવી. 29 મેથી આ કાર્યની શરૂઆત કરવામાં આવી. પિછવાઈ ગ્રુપની તમામ બહેનો આ સેવા કાર્યમાં જોડાઇ. 25થી 30 બહેનો રોજ બપોરે 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી દિવાલગીરી તૈયાર કરવા માટે સેવા આપે છે.
વૈષ્ણવોનો દિવ્ય મનોરથ દિવાલગીરી પર કદાચ પહેલી વખત પ્રગટ છે
ગ્રુપમાં જોડાયેલા વયોવૃદ્ધ હંસાબા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, મને પેઈન્ટીંગ કરતા તો નથી આવડતું પરંતુ હું બ્રશ ધોવાનું, કલરની આપલે અને નાના મોટા અન્ય કામ તો કરી જ શકું. એ પણ સેવા જ છે ને. ડ્રોઇંગનું કામ પુર્ણ થયા પછી પેઈન્ટીંગનું કાર્ય શરૂ થયું. ઉત્સાહથી કામ કરતા ગ્રુપના ઇલાબેન અને ભાવિની બેન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, વૈષ્ણવોનો આવો દિવ્ય મનોરથ દિવાલગીરી પર કદાચ પહેલી વખત જ પ્રગટ થવા જઈ રહ્યોં છે. તો વળી અર્ચના બેન અને સોનલબેન કહે છે, આ ઝાંખીથી યંગ જનરેશનને પણ પુસ્તકોમાં સચવાયેલું મહાપ્રભુજીના ઉપદેશ જ્ઞાન પેઈન્ટીંગના માધ્યમથી દિવાલગીરી પર જોવા મળશે અને સમજાશે.
અહીંયા આવીને તો મેડિટેશન થઇ જાય છે
પિછવાઇ ગ્રુપના ડિમ્પલ બેન, પૂર્વી બેન, વૈજંતી બેન, મધુ બેન, પિનાકિની બેન, કાજલ બેન જેવી ઘણી બહેનો એકબીજાને પૂછીને સલાહ સુચન કરીને ખુબ જ ખંતપુર્વક આ કાર્યને પુર્ણ કરવામાં લાગી ગયા છે. આ માત્ર એક કાર્ય નહીં પરંતુ ભગવાનને રાજી કરવાનું માધ્યમ છે એમ કહેતા મીના બેન કહે છે, અહીંયા આવીને તો મેડિટેશન થઇ જાય છે.
વલ્લભનીધિ અમારો પરિવાર છે
પિછવાઇ ગ્રુપના રેખા બેન ભટ્ટ ચિત્રલેખા.કોમ સાથે દિવાલગીરી તૈયાર કરવામાં રંગનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ વિશે વાત કરતા કહે છે, આ મનોરથમાં અંદાજે એક કલરના એક લિટરના 4-5 ડબ્બાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ સફેદ કલરનો ઉપયોગ થયો છે. વલ્લભનીધિ અમારો પરિવાર છે, અમે અહિં આવીને ઘણું શીખ્યા છીએ. જયારે મયુરીબેન કહે છે, કલર કામ કરતા ખબર પણ નથી પડતી કે રાત ક્યારે થઈ, ઘરે જવાના સમયે પણ જાણે સતત કામ કરીએ એમ જ થયા કરે.
આ દિવાલગીરી પુર્ણતાના આરે છે. ત્યારે આગામી 6 ઓગસ્ટે 84 વૈષ્ણવોની અને 15મી ઓગસ્ટે 84 બેઠકજીની ઝાંખીના દર્શન જુહુ સ્કીમ વલ્લભનિધિ મંદિરમાં થશે.