પોસ્ટ-મોર્ટમ અહેવાલમાં પુષ્ટિઃ નીતિન દેસાઈનું મૃત્યુ ગળાફાંસથી થયું

મુંબઈઃ નામાંકિત કલા દિગ્દર્શક નીતિન દેસાઈના મૃતદેહના કરવામાં આવેલા પોસ્ટ-મોર્ટમના અહેવાલથી પુષ્ટિ મળી છે કે એમનું મૃત્યુ ફાંસીએ લટકવાથી થયું હતું, એમ રાયગડના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સોમનાથ ઘાર્ગેએ આજે જણાવ્યું છે. હિન્દી અને મરાઠી ફિલ્મોના એવોર્ડવિજેતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ બુધવારે સવારે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના કર્જત શહેરમાં એમના એન.ડી. સ્ટુડિયોમાં લટકતી હાલતમાં, મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

દેસાઈના મૃતદેહનું મુંબઈની સરકાર હસ્તકની જે.જે. હોસ્પિટલમાં ચાર ડોક્ટરોની ટીમે બુધવારે રાતે કર્યું હતું. તેના અહેવાલ અનુસાર, દેસાઈનું મૃત્યુ લટકી જવાને કારણે થયું હતું.  દેસાઈના મૃતદેહને હાલ જે.જે. હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે એમના પરિવારજનોને સુપરત કરવામાં આવશે. દેસાઈના અંતિમસંસ્કાર આવતીકાલે કર્જતમાં એમના એન.ડી. સ્ટુડિયોમાં કરવામાં આવશે.