અમદાવાદ: અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે દિવાસો. દિવાસો એટલે દેવદિવાળી સુધી 100 દિવસમાં 100 પર્વનો વાસ છે. હિંદુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. ચોમાસાની સાથે જપ, તપ અને વ્રતનો મહિમા વધી જાય છે. આ સાથે જ આજથી શ્રાવણ માસની શરૂઆત એટલે શિવજીની આરાધના કરવાનું મહત્ત્વ વધી જાય છે.દિવાસના દિવસે એવરત-જેવરત જેવા જુદાં-જુદાં વ્રતો અને પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપે છે. એ સમાજ એટલે દેવીપૂજક સમાજ. દેવીપૂજક સમાજના કેટલાંક સભ્યો દિવાસાના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અંગત કે જે મૃત્યુ પામ્યાં છે, એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમજ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે.દેવીપૂજક સમાજના મહેન્દ્ર દંતાણી ચિત્રલેખા.કોમને કહે છે દિવાસાના દિવસે અમે લોકો પરિવારના જે સદસ્ય સ્વર્ગસ્થ થાય તેમની અંતિમ વિધિ જે જગ્યાએ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે. આ આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોનાં બેનર્સ તેમજ સુવિચારો પણ પ્રદર્શિત કરે છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. આખાય વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સ્મશાનનોમાં દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠાં થઈને પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજે સૌ લોકોને અભિનંદન પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્કીય અને સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)