શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળાનું આયોજન

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ગામનો દેશી મલ્લ કુસ્તીનો મેળો શારીરિક સ્વસ્થતા, શોર્યતા અને ખેલદિલીનો પ્રતીક બન્યો છે. દ્વારકા નજીકનું પીંડારા ગામ મહાભારતની કથા સાથે જોડાયેલું છે. કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ દુર્વાસા ઋષિનો આશ્રમ પિંડારા ગામમાં હતો. આજે પણ આ કુંડ અને દુર્વાસા ઋષિ જ્યાં બેસતા હતા તે રાણનું ઝાડ શ્રદ્ધાનું પ્રતીક છે.  અહીં કુંડમાં મોક્ષ માટે પિંડ તારવામાં આવ્યા હતા એવી શ્રદ્ધા છે. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે.

દેશી મલ કુસ્તી મેળાનું આયોજન

આજે તા. 15 સપ્ટેમ્બર ના રોજ શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળાનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જુદા જુદા ગ્રુપમાં યુવાનો સામસામે કુસ્તી રમે છે અને અનેરો આનંદ માણે છે. આ મેળો જોવા ખાસ કરીને યુવાનોની કુસ્તીમાં સહભાગી થવા માટે આબાલ વૃદ્ધ સહીત મોટી સંખ્યામાં અહીં આવી લોક ઉત્સવને સફળ બનાવે છે.

પીંડારાનો મેળો એક વિશિષ્ટ મેળો

પીંડારાનો મેળો એક વિશિષ્ટ મેળો છે. શારીરિક ખડતલતા સાથે યુવાનોમાં ઉત્સાહ પ્રેરે છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલું પિંડારા અને બાજુનું ટુપણી ગામ ચરણ ગંગા ધામ અને દુર્વાસા ઋષિનો આશ્રમ આ બધા સ્થળો સાંસ્કૃતિક વિરાસત છે અને આ અહીં યોજાતો મેળો એક આગવી પરંપરા ધરાવતો હોવાથી પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસનમંત્રી  મુળુભાઈ બેરાની પ્રેરણાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

(નરેશ મહેતા)