ડેવિડ વોર્નરે ટેસ્ટ બાદ ODIમાંથી પણ લીધો સંન્યાસ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર પાકિસ્તાન સામેની પોતાની ટેસ્ટ કારકિર્દી પર પૂર્ણવિરામ લગાવવા જઈ રહ્યો છે. તેણે આ વાતની જાહેરાત કેટલાક મહિનાઓ પહેલા કરી હતી. ડેવિડ વોર્નરે કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાના ટેસ્ટ કરિયરનો અંત કરશે. પરંતુ હવે નવા વર્ષથી તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને વધુ એક ઝટકો આપ્યો છે. વોર્નરે પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટના 3 દિવસ પહેલા ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું

ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ODIમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વોર્નરે કહ્યું, હું ચોક્કસપણે વનડેમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છું. મેં વર્લ્ડ કપમાં કંઈક એવું કહ્યું હતું કે ભારતમાં આ ટૂર્નામેન્ટ જીતવી એ એક મોટી ઉપલબ્ધિ છે. હું આજે નિવૃત્તિ લેવાનું નક્કી કરીશ. આનાથી હું વિશ્વભરની કેટલીક અન્ય લીગમાં પણ રમી શકીશ. ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં બેટથી ઘણી ધૂમ મચાવી હતી. તેણે 11 મેચમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 535 રન બનાવ્યા હતા. એક મેચમાં વોર્નરે 163 રનની જંગી ઇનિંગ રમી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વોર્નર છઠ્ઠા સ્થાને છે.

વોર્નરે 2009માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું

ડેવિડ વોર્નરે 2009માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 161 મેચ રમી હતી. જેમાં તેણે 33 અડધી સદી અને 22 સદીની મદદથી 6932 રન બનાવ્યા છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ટીમો 3 જાન્યુઆરીએ છેલ્લી ટેસ્ટમાં સામસામે ટકરાશે. આ મેચ વોર્નરની કારકિર્દીની છેલ્લી મેચ હશે.