ઓસ્ટ્રેલિયામાં ચક્રવાત આલ્ફ્રેડે હાહાકાર મચાવ્યો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર ચક્રવાત આલ્ફ્રેડે ભારે વિનાશ વેર્યો છે. લાખો લોકો વીજળી ગુલ થવાનો સામનો કરી રહ્યા છે, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર પૂરના વરસાદે માઝા મૂકી હતી. એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચક્રવાતના અવશેષો શનિવારે મોડી રાત્રે બ્રિસ્બેનથી 55 કિલોમીટર ઉત્તરમાં દરિયાકાંઠેથી પસાર થયા હતા અને પશ્ચિમ દિશામાં આગળ વધતા રહેશે, જેના કારણે ભારે વરસાદ પડશે.

ક્વીન્સલેન્ડના ઉષ્ણકટિબંધીય ઉત્તરમાં ચક્રવાત સામાન્ય છે, પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની સરહદે આવેલા રાજ્યના સમશીતોષ્ણ અને ગીચ વસ્તીવાળા દક્ષિણ-પૂર્વ ખૂણામાં ભાગ્યે જ જોવા મળે છે. ન્યૂ સાઉથ વેલ્સના ડોરિગો શહેર નજીક પૂરગ્રસ્ત નદીમાં ગુમ થયેલા 61 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ શનિવારે મળી આવ્યા બાદ તેને આ કટોકટીનો પ્રથમ ભોગ બનનાર તરીકે પુષ્ટિ મળી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ન્યૂ સાઉથ વેલ્સના ટ્રેગિગલ શહેરમાં શનિવારે કટોકટી પ્રતિભાવમાં સામેલ બે લશ્કરી ટ્રક પલટી ગયા હતા, જેમાં 13 સંરક્ષણ કર્મચારીઓ ઘાયલ થયા હતા, એમ વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે રવિવારે જણાવ્યું હતું. એક ટ્રક રસ્તો છોડીને ખેતરમાં ઘણી વખત પલટી ગઈ, જ્યારે બીજી ટ્રક ટક્કર ટાળવા માટે પલટી ગઈ. તેમણે કહ્યું કે ટ્રકોમાં મુસાફરી કરી રહેલા બ્રિસ્બેન સ્થિત 32 લશ્કરી કર્મચારીઓમાંથી છ ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બધા સ્વસ્થ થવાની અપેક્ષા છે.

શુક્રવારે ક્વીન્સલેન્ડ સરહદી શહેર ગોલ્ડ કોસ્ટમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની છત તૂટી પડતાં એક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ મહિલા એ 21 લોકોમાંની એક હતી જેમને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ભારે પવન અને વરસાદ દરમિયાન ગોલ્ડ કોસ્ટના બેડરૂમની છત પર ઝાડ પડવાથી એક દંપતીને સામાન્ય ઇજાઓ થઈ હતી.