રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં આ વખતે સૌની નજર વોર્ડ નંબર 2 પર ટકેલી હતી, જ્યાં પારિવારિક સંબંધો અને રાજકીય વિચારધારા વચ્ચેનો જંગ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા, જેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. નયનાબાની હાર સાથે જ રાજકોટમાં જાડેજા પરિવારના નણંદ-ભાભી વચ્ચે ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ રાજકીય ડ્રામાનો પણ અંત આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપના જામનગર ઉત્તરના ધારાસભ્ય અને મંત્રી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નણંદ અને ભાભી વચ્ચે શબ્દયુદ્ધ પણ જોવા મળ્યું હતું, જેના કારણે પરિવારના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રીવાબાએ ચૂંટણી પહેલા ભલે નયનાબાને વ્યક્તિગત રીતે શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતુ તેમણે મક્કમપણે દાવો કર્યો હતો કે વોર્ડ નંબર 2 માં ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવશે અને જીત તો ભાજપની જ થશે. રીવાબાની આ ભવિષ્યવાણી સાચી પડી છે અને મતદારોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે.
રાજકીય પંડિતો આ હારને કોંગ્રેસ માટે મોટો ઝટકો માની રહ્યા છે, કારણ કે નયનાબા એક જાણીતો ચહેરો હતા. જોકે, ભાજપની લહેરમાં તેમની લોકપ્રિયતા કારગત નીવડી નહીં. આ પરિણામો બાદ રાજકોટના રાજકારણમાં ફરી એકવાર સાબિત થયું છે કે મતદારો વ્યક્તિગત સંબંધો કરતા પક્ષની વિચારધારા અને વિકાસને વધુ મહત્વ આપે છે. બીજી તરફ, નણંદ-ભાભી વચ્ચેની આ રાજકીય લડાઈએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી હતી, જેનો હવે મંગળવારે સત્તાવાર રીતે ફેંસલો આવી ગયો છે.


