ધર્માંતરણનો ખેલઃ ફેરીવાળો ‘છાંગુર બાબા’ બન્યો અબજપતિ

બલરામપુર: જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની ધરપકડ બાદ બલરામપુર ચર્ચામાં છે. જોકે ધર્માંતરણ, વિદેશી ફંડિંગ અને હવાલા જેવા કાળાં કારસ્તાનોમાં ફસાયેલા છાંગુર બાબાના પૈતૃક ગામના લોકો આજે પણ તેમના પર લાગેલા આરોપોને માનતા નથી. ઉતરૌલા તાલુકાના રેહરા માફી ગામના ફકીરી ટોળામાં છાંગુર બાબાનું પૈતૃક ઘર છે.

STFની પૂછપરછમાં જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે ધર્માંતરણ માટે જાતિને આધારે રકમ નક્કી કરી હતી – બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા શીખ યુવતીઓ માટે ₹15-16 લાખ, પછાત જાતિની યુવતીઓ માટે રૂ. 10-12 લાખ અને અન્ય જાતિની યુવતીઓ માટે રૂ. 8-10 લાખ લેતા. છાંગુર બાબાનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે હિંદુ સંસ્થાઓના દબાણથી કેટલાક લોકોએ “ઘર વાપસી” કરી અને આ ગેંગનો પર્દાફાશ કર્યો.

છાંગુર બાબા કરતો હતો આ કામ
રેહરા માફી ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર 10 વર્ષ પહેલા છાંગુર બાબા ત્યાંથી જઈને મધુપુર ગામમાં રહેવા લાગ્યા હતા જ્યાં હવે મહેલ જેવી કોટી તૈયાર છે. ગામના વડા રહી ચૂકેલા છાંગુર બાબા પહેલાં ભિક્ષા માગતા હતા અને નંગ-પથ્થરો ફેરી કરીને વેચતા હતા. રેહરા માફી ગામમાં તેમનું પૈતૃક ઘર હવે ખંડેર બની ગયું છે, છતાં પણ ગામના લોકોએ તેમની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.

છાંગુર બાબાના પાડોશીઓને નથી થઇ રહ્યો વિશ્વાસ
છાંગુર બાબાના પડોશીઓ અને સમુદાયના લોકોનું કહેવું છે કે તેમને વિશ્વાસ જ નથી થતો કે છાંગુર બાબાની ધર્માંતરણ, વિદેશી ફંડિંગ અને મની લોન્ડરિંગમાં ધરપકડ થઈ છે. ગામના લોકો કહે છે કે આ સંપત્તિ છાંગુર બાબાની નથી, પરંતુ તેમના શિષ્ય નવીન અરોડા ઉર્ફે જમાલુદ્દીન અને તેની પત્ની નીતુ અરોરા ઉર્ફે નસરીનની છે.

કેટલાક લોકોએ જણાવ્યું હતું કે છાંગુર બાબાએ બે વર્ષ પહેલાં મધુપુર ગામમાં લગભગ ત્રણ વીઘા જમીન પર ભવ્ય ઘર બનાવ્યું છે, ઉતરૌલા શહેરમાં કપડાંની દુકાન શરૂ કરી છે અને ત્યાં પણ મકાનનું નિર્માણ ચાલુ છે. જોકે હવે તેમના ઘર પર બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે.