ભારતીય ડેલિગેશનમાં શશી થરુરના નામ પર કોંગ્રેસમાં વિવાદ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોને માહિતી આપવા માટે ભારત સરકારે સાત સભ્યોનું પ્રતિનિધિમંડળ રચ્યું છે. તેમાં તિરુવનંતપુરમ બેઠકથી લોકસભાના સાંસદ શશી થરુરનું નામ પણ સમાવિષ્ટ છે. તેમનો સમાવેશ થતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે થરુરનું નામ તો યાદીમાં પણ નહોતું.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા રાજકીય સંપર્ક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવેલા કોંગ્રેસ સાંસદ શશી થરુરનું નામ પાર્ટી દ્વારા સૂચવવામાં આવ્યું નહોતું. આ પ્રતિનિધિમંડળમાં સાત સાંસદોનાં નામ જાહેર કર્યા બાદ, કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ખુલાસો કર્યો કે પાર્ટી દ્વારા કેવળ ચાર સાંસદોનાં નામ સૂચવવામાં આવ્યાં હતાં.

જયરામ રમેશે Xપર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે શુક્રવારે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. રિજિજુએ કોંગ્રેસ પાસેથી પ્રતિનિધિમંડળ માટે ચાર સાંસદોનાં નામ માગ્યાં હતાં. થોડા કલાકો બાદ રાહુલ ગાંધી દ્વારા આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નાસિર હુસેન અને રાજા બરારનાં નામ મોકલવામાં આવ્યા હતા, જેમાં થરુરનો સમાવેશ નહોતો.

થરૂર પોતાની જ પાર્ટીમાં ઘેરાયા
ધ્યાનાકર્ષક મુદ્દો એ છે કે કેન્દ્ર સરકારે શશી થરુરના નામની ઘોષણા એવા સમયે કરી છે જ્યારે તેઓ ભાજપનાં વખાણ કરવા બદલ પોતાના જ પાર્ટી નેતાઓની ટીકા ભોગવી રહ્યા છે. થરુર ઉપરાંત છ અન્ય સાંસદ પણ પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે આતંકવાદ વિરુદ્ધ ભારતના ઝીરો ટોલરન્સ ના શક્તિશાળી સંદેશને વિશ્વ સુધી પહોંચાડશે.

કેરળ કોંગ્રેસેના ભાજપ પર પ્રહાર
આ મામલે કેરળ કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકારે ભાજપમાં રહેલી “પ્રતિભા ખોટ”ને કારણે થરુરને આ ભૂમિકા માટે પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે દેશમાં એવી અવાજની જરૂર છે જેને વૈશ્વિક મંચ પર સન્માન મળે. કોંગ્રેસે કહ્યું હતું કે આવા સમયે જ્યારે વડા પ્રધાન મોદી અને તેમના વિદેશ મંત્રીની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા ઘટી ગઈ છે, ત્યારે દેશને એવી પ્રતિષ્ઠિત અવાજની જરૂર છે.

કોંગ્રેસે કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા કહ્યું કે અમે પ્રશંસા કરીએ છીએ કે સરકારે ભાજપની અંદરની પ્રતિભા ખોટને ઓળખી છે અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે કોંગ્રેસના નેતાને પસંદ કર્યો છે. કોંગ્રેસે ઉમેર્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે શશી થરૂર વૈશ્વિક સ્તરે ભારતનું મજબૂત રીતે પ્રતિનિધિત્વ કરશે અને મોદી સરકારની ભૂલોને સુધારવાનો પ્રયાસ કરશે.