ગુજરાતમાં નાળિયેરના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું, “છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૪,૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ 2013-14માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21,633 હેક્ટર હતો, જે વર્ષ 2023-24માં વધીને 26,561 હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન 23.60 કરોડ યુનિટથી વધુ છે.”ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી અહીં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં હાલ 45.61 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતીલાયક છે. દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર 26 હજાર હેક્ટરથી વધીને 70 થી 80 હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. હાલ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દરિયાકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ નાળિયેરીનું ઉત્પાદન વધે તે માટે પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ગત વર્ષે રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો હતો. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂ. 438 લાખ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. સાથે જ, નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 5,000 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ 90 ટકા મુજબ રૂ. 13,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે.ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી 20 ટકા નાળિયેરનું ત્રોફા તરીકે, જ્યારે 42 ટકા નાળિયેરનું પાકા નાળિયેર તરીકે ઉત્પાદન થાય છે. 5 ટકા નાળિયેરનું ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે ઉત્પાદન કરે છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે 33 ટકા જેટલા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. બારે માસ મળતા નાળિયેરની માંગ ઉનાળામાં એટલે કે, માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે. રાજ્યના અનેક ખેડૂતો અને કૃષિ એકમો નાળિયેરમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક/બૉટલ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી, તેનું વેચાણ કરીને મબલખ આવક મેળવી રહ્યા છે.