કોંગ્રેસના સાંસદોએ લોકસભા સ્પીકર સાથે કરી ગાળાગાળીઃ કિરણ રિજિજુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સનસનીખેજ આરોપ લગાવતા દાવો કર્યો હતો કે કોંગ્રેસના 20થી 25 સાંસદોએ લોકસભા સ્પીકરની ચેમ્બરમાં ઘૂસી જઈને તેમની સાથે ગાળાગાળી કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી વડરા અને કે.સી. વેણુગોપાલની હાજરીમાં કોંગ્રેસી સાંસદોએ સ્પીકરના ચેમ્બરમાં જઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે વિપક્ષે ઓમ બિરલાને લોકસભા સ્પીકરપદ પરથી હટાવવા માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ઓછામાં ઓછા 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા સ્પીકરની ચેમ્બરમાં ઘૂસી ગયા અને તેમને ગાળો આપી. હું પણ ત્યાં હાજર હતો. સ્પીકર ખૂબ સહનશીલ સ્વભાવના છે, નહીં તો કડક કાર્યવાહી થાત. પ્રિયંકા ગાંધી વડરા અને કે.સી. વેણુગોપાલ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ અંદર હાજર હતા અને તેઓ અન્ય સાંસદોને ઉશ્કેરી રહ્યા હતા.ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે એટલે કે નવ માર્ચે ચર્ચા થવાની શક્યતા છે. લોકસભા સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ બજેટ સત્રના બીજા ભાગના પ્રથમ દિવસે, એટલે કે નવ માર્ચે જ લોકસભા સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે.

આ મામલાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બિરલા અધ્યક્ષપદના આસન પર નહીં બેસે. બિરલાએ લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને વિપક્ષની નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

વિપક્ષે બિરલાને પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવાનો નોટિસ મંગળવારે લોકસભાના મહાસચિવને સોંપ્યો હતો. વિપક્ષે બિરલા પર પક્ષપાતપૂર્ણ રીતે સભા ચલાવવાનો, કોંગ્રેસ સભ્યો પર ખોટા આરોપ મૂકવાનો અને પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.