“મલ્ટીપોલાર વિશ્વમાં વિશ્વાસની ખોટ પુરવાની જવાબદારી ભારત પર”

અમદાવાદ: શહેરમાં ‘જ્યોત’ ફાઉન્ડેશનના ઉપક્રમે બે દિવસીય ‘વસુધૈવ કુટુંબકમ કી ઔર 3.0’ કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 અને 15મી ડિસેમ્બરના રોજ આ કોન્કલેવ ગીતાર્થ ગંગા ખાતે યોજાઈ હતી. કોન્કલેવ જૈનાચાર્ય યુગભૂષણસુરીજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.કોન્કલેવના પ્રથમ દિવસે આધ્યાત્મિકતા, કાનૂની પાસા અને જીઓપોલિટિક્સ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે કાનૂની પાસાઓ સંદર્ભે સાર્વભૌમત્વ, પાયાના માળખાનો સિદ્ધાંત અને બિનસાંપ્રદાયિકતા જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા ઉપસ્થિત ન્યાયવિદો દ્વારા કરવામાં આવી હતી.કોન્કલેવની આ વર્ષની થીમ કાનૂની પાસા સંદર્ભે સુસંગત એટલા માટે હતી કારણ કે ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને ૨,૫૫૦ વર્ષ થયા છે. તથા ભારતની ન્યાય વ્યવસ્થાના મહત્વપૂર્ણ એવા એસ.આર બોમાઈ ચુકાદાને પણ 30 વર્ષ પૂર્ણ થયા છે. આ સીમાચિન્હોના આધારે વર્તમાન સુસંગતતા તથા વાસ્તવિકતાઓના આધારિત આધુનિક સંકલ્પનાઓ અને પ્રાચીન ભારતની સંકલ્પનાઓને સાંકળીને ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.પ્રથમ દિવસે ચર્ચા સત્રોમાં સિનિયર ધારાશાસ્ત્રી પર્સીવલ બીલીમોરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, બેરિસ્ટર ડો. અનિરુદ્ધ રાજપૂત, સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રીઓ સી. એ. આર્યમા સુંદરમ, દેવદત્ત કામત, એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ. આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહ, સિનિયર ધારાશાસ્ત્રી દેવાંગ નાણાવટી, વાડિયા ગાંધી એન્ડ કંપનીના ભાગીદારો ધવલ મહેતા અને જય કંસારાએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.સી. એ. આર્યમા સુંદરમે કહ્યું કે ભારતમાં પશ્ચિમ કરતાં પણ ખૂબ પહેલા ‘દુન્યવી સાર્વભૌમત્વ’ વિષય વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ડો. અનિરુદ્ધ રાજપૂતે “સ્ટેટહુડ”ના પાયાના સિદ્ધાંતને વિસ્તૃત ઢબે સમજાવ્યો હતો. યુગભૂષણસૂરીજીના નીતિ, ન્યાય અને ભારતીય શાસ્ત્રો પરના વિચારોથી પ્રભાવિત થઈને દેવદત્ત કામતે જણાવ્યું હતું કે આ બધી બાબતો આધુનિક પાયાના માળખાના સિદ્ધાંતને આંતરિક સર્વભૌમત્વની દ્રષ્ટિએ જોડે છે. જસ્ટિસ મોહિત શાહે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે સંપૂર્ણ સાર્વભૌમત્વ એ ક્યારેય પણ જનતા કે દેશના હિતમાં નથી હોતું.વિવિધ વૈશ્વિક રાજનૈતિક અને આધ્યત્મિક પ્રવાહોની ચર્ચા કરતા જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક જ્ઞાન પરમ્પરા સનાતન રહી છે. તેણે હંમેશા વિશ્વને શાંતિનો રસ્તો બતાવ્યો છે. આજના અશાંત વૈશ્વિક રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં તેનું મહત્વ ખૂબ વધારે છે અને તે વિશ્વને માર્ગદર્શન કરવા સક્ષમ છે.કોન્કલેવના બીજા દિવસે ‘જીઓપોલિટીકસમાં મલ્ટિપોલારીટી, વૈશ્વિક વિશ્વાસ અને વિશ્વબંધુત્વમાં ભારતની ભૂમિકા’ વિષય પર ચર્ચા થઈ હતી. જેમાં ન્યાયવિદ અને કન્સલ્ટન્ટ ડૉ. અનિરુદ્ધ રાજપૂત, ન્યાયવિદ પર્સીવલ બીલીમોરીયા, ભારતના બ્રિટન ખાતેના પૂર્વ રાજદૂત યશવર્ધનકુમાર સિંહા, આઈ.ડી.એસ.એ.ના રાજીવ નયન, ડો. જે. આર. ભટ્ટ, વી.આઇ.એફ.ના સંશોધક ડો. સરોજ બિસોય, ભારતના પૂર્વરાજદૂત અચલકુમાર મલ્હોત્રા અને ઇન્ડિયા ફાઉન્ડેશનના નિયામક કેપ્ટન ડો. આલોક બંસલે વિભિન્ન પાસાઓ પર વિચારો રજૂ કર્યા હતા.અનિરુદ્ધ રાજપૂતે વૈશ્વિક રાજનીતિ અને સાંસ્કૃતિક પરિમાણોની આજના કપરા સમયમાં પુનઃ પરીક્ષા કરવા પર ભાર મુકતા કહ્યું હતું કે આજે પણ પાશ્ચાત્ય શાસન વ્યવસ્થાનું માળખું અને ડિપ્લોમસી વૈશ્વિક નિયમો ઘડે છે. પર્સિવલ બીલીમોરીયાએ સ્થાનિક અને વૈશ્વિક વિમર્શના સંદર્ભે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર થઈ રહેલા બાહ્ય પ્રભાવ પરત્વે ચિંતા વ્યક્ત કરી હતી. યશવર્ધન કુમાર સિંહાએ વસુધૈવ કુટુંમ્બકમમાં રહેલી મલ્ટીપોલારીટીને ઉજાગર કરી હતી. આલોક બંસલે નિયમ આધારિત વિશ્વવ્યવસ્થાની તરફેણ કરી હતી.આ ઇવેન્ટને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ, પી. ચિદમ્બરમ, ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, નેપાળ દૂતાવાસ, યુક્રેન દૂતાવાસ, જર્મન દૂતાવાસ અને સ્પેનિશ દૂતાવાસ તરફથી શુભેચ્છાઓ મળી. નેપાળ દૂતાવાસે તેમના પ્રતિનિધિ તરીકે દ્રુપદા સપ્કોટા, મંત્રી પરામર્શદાતાને કૉનલેવમાં હાજરી માટે નિયુક્ત કર્યા. આ બે દિવસના મહત્વપૂર્ણ સંમેલનના નિષ્કર્ષ રૂપે ‘ગિતાર્થ ગંગા ડેકલેરેશન’ જારી કરવામાં આવ્યું છે જેમાં વિષયો પર થયેલી ચર્ચાઓ અને તેના તારણોના આધારે મળેલા વિચારને વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફોરમમાં મૂકવામાં આવશે. આ કોંક્લેવમાં દેશ-વિદેશના આશરે ૪૦૦ જેટલા સામાન્ય લોકો, ન્યાયવિદો, ભૂભૌગોલિક રાજનીતિના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.