વિશ્વ પર્યાવરણ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના ગાંધીનગર ખાતે આવેલા “નમો વડ વન” ની મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ની ૨૧ માર્ચે ૨૦૨૨માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘નમો વડ વન’ની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય વન દિવસ ૨૧ મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૩ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વન-પર્યાવરણના અગ્ર સચિવ સંજીવકુમારે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં ૮૨ ‘નમો વડ વન’ ઊભા થયા છે. એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક ‘નમો વડ વન’માં ૭૫ વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ ૧૦૦ વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક ‘નમો વડ વન’માં કુલ ૧૭૫ વડના રોપાઓ વાવવામાં આવેલા છે. સાથે ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા ‘નમો વડ વન’માં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા ‘નમો વડ વન’માં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ‘નમો વડ વન’ લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્‍ચિઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.