દિવાળીમાં દીવડા ઝળહળે ને અંધકાર જાણે અજવાળા સામે ઘૂંટણિયે પડે, પણ આ જગતમાં કેટલાક દીવા એવા પણ છે, જેની વાટ કોઈ પૂજાની થાળીમાં નથી હોતી… એ તો કોઈના હૃદયમાં, કોઈના નિરાશ મનમાં, કોઈની એકલતામાં, કોઈની લાચારીમાં તો કોઈના જીવનસંઘર્ષની કાળી રાતમાં પ્રગટે છે!
એ કોઈના અંધકારભર્યા રસ્તે આશાનું એક નાનકડું કિરણ બનીને ઊભા રહે છે.
આ દિવાળીએ, વાત કરીએ આવા કેટલાક આવા દીવડાની, જેમણે પોતાની સંવેદનાના અજવાસથી બીજાનાં જીવનમાં ઉજાસ રેલાવ્યો છે…
મુંબઈની લોકલ ટ્રેન એટલે જાણે ઘડિયાળના કાંટે દોડતી જિંદગી! ટ્રેનની હકડેઠઠ ભીડમાં માણસને શ્વાસ લેવાનો સમય નહોય, ત્યાં નિરાંતે પુસ્તક વાંચવાની તો વાત જ ક્યાં કરવી? એવામાં પશ્ચિમ રેલવેના અંતિમ સ્થાનક ચર્ચગેટ સ્ટેશન પરટ્રેન પકડતાં-પકડતાં મફતમાં મનગમતું પુસ્તક વાંચવા મળી જાય તો?
હા, ગત પાંચ જૂન (વિશ્વ પર્યાવરણ દિવસ)થી ચર્ચગેટ સ્ટેશન પર પાંચ બાય આઠ ફૂટની એક એવી અનોખી દુનિયા ઊભી થઈ છે, જ્યાં ટિકિટ વિના શબ્દોની સફર કરી શકાય છે! ‘રીડ મુંબઈ’ ઝુંબેશની પહેલથી મુંબઈના રેલવે સ્ટેશન પર પહેલી જ વાર આવી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.
આ પુસ્તકાલયની સૌથી મોટી ખાસિયત એ કે લાઈબ્રેરી અને પુસ્તકો રાખવાનાં કબાટ લાકડાં કે લોખંડમાંથી નહીં, પણ મુંબઈગરાઓએ ફેંકેલા પ્લાસ્ટિકના કચરાને રિસાઈકલ કરીને બનાવવામાં આવ્યાં છે. પશ્ચિમ રેલવેએ સ્ટેશન પર વિનામૂલ્યે જગ્યા ફાળવી અને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના આર્થિક સહયોગથી ટચૂકડી લાઈબ્રેરી ઊભી થઈ ગઈ.
આ પ્રોજેક્ટ પાછળ શિશિર જોશી દ્વારા આઠેક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી ‘પ્રોજેક્ટ મુંબઈ’ નામની સંસ્થાનું ભેજું છે. મુંબઈને વધુ બહેતર બનાવવાના સપના સાથે શરૂ થયેલી આ સંસ્થા પ્લાસ્ટિક રિસાઈક્લિંગથી માંડીને બીચ ક્લીનઅપ, રેલવે સ્ટેશનોનું બ્યુટિફિકેશન, શાળાઓમાં ઝીરો-વેસ્ટ મૅનેજમેન્ટ તેમ જ જેલના કેદીઓ, બીએમસીના વિદ્યાર્થીઓ અને ૧૦-૧૦ કલાકની હાઈ-રિસ્ક ડ્યુટી કરતા પોલીસ તથા રેલવે કર્મચારીઓના સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર જેવાં અનેક સેવાકાર્યો કરે છે. અગાઉ તેમણે બગીચાઓમાં લાઈબ્રેરી શરૂ કરી હતી, પણ સ્ટેશન પરનો આ પ્રયોગ સુપરહિટ રહ્યો છે.
સંસ્થાનાં પ્રોજેક્ટ ઑફિસર આયુષી સિંહ ઉત્સાહભેર ચિત્રલેખાને કહે છેઃ ‘અમારો હેતુ એ છે કે દરેક મુંબઈગરા સુધી વાંચન પહોંચી શકે. અહીં મૂકવામાં આવેલાં ૨,૦૦૦થી ૨,૫૦૦ જેટલાં પુસ્તકો મુંબઈગરાઓએ જ દાનમાં આપ્યાં છે. અમને કલ્પના નહોતી એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અહીં ગુજરાતી-મરાઠી- હિન્દી-અંગ્રેજી એમ ચાર ભાષામાં ફિક્શન, નૉન-ફિક્શન, સેલ્ફ-હેલ્પ, બિઝનેસ, થ્રિલર અને બાળવાર્તાનાં પુસ્તકો ઉપલબ્ધ છે.’
લાઈબ્રેરીમાં કોઈ મેમ્બરશિપ ફી કે ડિપોઝિટ નથી. સોમવારથી શનિવાર, સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેતી આ લાઈબ્રેરી મોબાઈલ ઍપથી ચાલે છે. તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી રજિસ્ટર કરીને મનગમતું પુસ્તક બે અઠવાડિયાં માટે ઘરે લઈ જવાનું! બે અઠવાડિયાં પછી તમને રિમાઈન્ડર મેસેજ આવે. જો પુસ્તક ન વંચાયું હોય તો અઠવાડિયું લંબાવી પણ શકાય.
મફતમાં આપવામાં પુસ્તકો ગુમ થઈ જવાનું જોખમ ખરું?
જવાબમાં આયુષીસિંહ હસતાં-હસતાં કહે છેઃ ‘હા, ક્યારેક કોઈ બહારગામ જતું રહે ને પુસ્તક પાછું ન આવે એવું બને, પણ એનું પ્રમાણ માંડ ૧૦થી ૧૫ ટકા જેટલું જ છે. મોટા ભાગના લોકો પ્રામાણિકપણે પુસ્તકો પાછાં આપી જાય છે. વળી જેટલાં પુસ્તકો જાય છે એના કરતાં વધુ પુસ્તકો લોકો સામેથી દાનમાં આપી જાય છે, એટલે અમારી આ જ્ઞાનપ્રકાશ અવિરત પ્રજ્વળતો જ રહે છે. જો કે જગ્યા નાની હોવાથી અમે વાચકોને એકસાથે મોટાં પોટલાંને બદલે પાંચ-દસ પુસ્તકો જ ભેટ આપવા વિનંતી કરીએ છીએ.’
ચર્ચગેટની સફળતા બાદ રેલવે તરફથી ખાર-અંધેરી-સીએસટીએમ સ્ટેશન પર પણ લાઈબ્રેરી શરૂ કરવાની મંજૂરી મળી છે. હાલ ખાર સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે. જો કૉર્પોરેટ સંસ્થાઓ કે દાતાઓનો આર્થિક સહયોગ મળતો રહેશે, તો આવનારા દિવસોમાં મુંબઈના અનેક સ્ટેશને મોબાઈલમાં માથું ઘાલીને ફેસબુક કે ઈન્સ્ટા રીલ જોઈને અંગૂઠો-ગરદન દુખવતા પ્રવાસીઓના હાથમાં પુસ્તકો રમતાં જોવા મળશે.
( સમીર પાલેજા – મુંબઈ)






