બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ટૂંક સમયમાં હોરર ફિલ્મમાં જોવા મળશે. અભિનેતા રાણા દગ્ગુબાતીએ આગામી હોરર ફિલ્મ ‘Scary Picture’નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કહાની હોરર જોનર પર આધારિત હશે અને તેની રિલીઝ 2027માં થવાની જાહેરાત કરવામાં આવી છે.

ફિલ્મને લઈને શું બોલ્યા રાણા દગ્ગુબાતી?
ફિલ્મ ‘Scary Picture’ અંગે રાણા દગ્ગુબાતીએ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મની શરૂઆત સાથે તેમનો ઉદ્દેશ હોરર જોનરને પસંદ કરતા ફિલ્મ નિર્માતાઓને સતત નિર્માણ સહાય અને ફિલ્મ રિલીઝ કરવાની તક આપવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારત દરેક જોનરમાં વિવિધતાથી ભરપૂર છે અને હોરર પણ તેનાથી અલગ નથી. દેશના દરેક પ્રદેશમાં ડર, કહાનીઓ અને તેને રજૂ કરવાની પોતાની અલગ રીત છે. તેઓ મનોવૈજ્ઞાનિક હોરર, જીવ-જંતુઓ પર આધારિત હોરર, હોરર-કોમેડી, સામાજિક હોરર સહિતની તમામ ઉપશૈલીઓની કહાનીઓ માટે ખુલ્લા છે.
કોણ છે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક?
‘Scary Picture’નું દિગ્દર્શન રવિ બાબુ કરી રહ્યા છે. તેઓ અગાઉ ‘અનસૂયા’ અને ‘અવુનુ’ જેવી તેલુગુ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. ફિલ્મનું નિર્માણ સુરેશ બાબુ દ્વારા સુરેશ પ્રોડક્શન્સના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ બેનરની આ પ્રથમ હોરર ફિલ્મ હશે.
જોકે, ફિલ્મની કહાની, અન્ય કલાકારો અને કંગના રનૌતની ભૂમિકા અંગે હજુ સુધી વધુ વિગતો સામે આવી નથી. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ માટે વર્ષ 2027 નક્કી કર્યું છે.
રાણા દગ્ગુબાતીએ ફિલ્મ નિર્માતાઓને આપી કહાની મોકલવાની તક
રાણા દગ્ગુબાતીએ ‘વેરાયટી’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતાઓને પોતાની કહાનીઓ મોકલવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મના આઇડિયા ‘ઇમેવ’ પર મોકલી શકે છે. ટીમ તેની સમીક્ષા કર્યા બાદ તેમનો સંપર્ક કરશે.તેમણે કહ્યું કે એક આદર્શ સબમિશનમાં સંપૂર્ણ સ્ક્રિપ્ટ, ફિલ્મ અથવા અગાઉના કામના 3થી 5 મિનિટના ફૂટેજ અને ફિલ્મ નિર્માતા પોતે કોણ છે તથા આ ફિલ્મ બનાવવા પાછળનો તેમનો હેતુ શું છે તેની ટૂંકી માહિતી સામેલ હોવી જોઈએ.






