નવી દિલ્હીઃ ચીન ભારતીય સરહદની નજીક સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે. જે હાલના સૌથી મોટા ડેમથી ત્રણ ગણો હશે. આ ડેમ 137 અબજ અમેરિકી ડોલરના ખર્ચની સાથે બની રહ્યો છે. ચીનની સરકાર તરફથી આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ચીનના આપ્રોજેક્ટ હેઠળ તિબેટના વિસ્તારમાં બ્રહ્મપુત્રા નદી પર ડેમ બાંધવામાં આવશે.
મધ્ય ચીનમાં સ્થિત થ્રી ગોર્જેસ ડેમ વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ છે. ચીને તેનાથી પણ સૌથી વધુ શક્તિશાળી ડેમને લીલી ઝંડી આપી દીધી છે. નવો ડેમ તિબેટ પઠારના પૂર્વીય છેડા પર, યારલુંગ જાંગ્બો નદી પર બાંધવામાં આવશે. જે વાર્ષિક 300 બિલિયન કિલોવોટ વીજ ઉત્પન્ન કરશે. થ્રી ગોર્જેસ ડેમની 88.2 બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે. ચીનના આ પ્રસ્તાવિત ડેમમાંથી ભારત અને બાંગ્લાદેશમાં લાખો લોકોને અસર થશે.
ચીનના સરકારી ઊર્જા નિગમના આ પ્રોજેક્ટથી દેશના કાર્બન ન્યૂટ્રેલિટીનાં લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેનાથી એન્જિનિયરિંગ જેવી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને તિબેટમાં રોજગારી સર્જન થશે. આ ડેમથી વિસ્થાપિત થયેલા 14 લાખ લોકોનું પુનઃવર્સન પણ કરાશે. ચીનના અધિકારીઓએ જણાવ્યું છે કે ડેમથી પર્યાવરણ કે જળ પુરવઠા પર કોઈ અસર નહીં થાય. યારલુંગ જાંગ્બો તિબેટથી નીકળી દક્ષિણમાં ભારતના અરુણાચલ પ્રદેશ અને આસામ રાજ્યોમાં વહી અંતે બાંગ્લાદેશમાં આવતાં-આવતાં બ્રહ્મપુત્ર નદીમાં ભળી જાય છે. આ બંધથી નદીના પ્રવાહ અને દિશામાં ફેરફાર થવાની ભીતિ છે. જેથી ભારત અને બાંગ્લાદેશને મળતા પાણીના પ્રવાહ અને પુરવઠામાં ઘટાડો થાય એવી શક્યતા છે.