મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી અજિત આગરકરના કાર્યકાળને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. અજિત આગરકરનો કાર્યકાળ ચોથી ઓક્ટોબરે પૂરો થવાનો છે. જોકે BCCI તેમનો કાર્યકાળ લંબાવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે અજિત આગરકરે BCCIની સિનિયર પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ પદેથી હટી જવાનો નિર્ણય લીધો છે. જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આગરકરને ૨૦૨૩માં ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મોટા નિર્ણયો લીધા છે. હવે એવા અહેવાલો છે કે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પાર્થિવ પટેલ આગરકરની જગ્યાએ સંભવિત ઉમેદવારોમાં સામેલ છે.
નવા પસંદગીકારની શોધમાં BCCI
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે અજિત આગરકર સાથેની વાતચીત બાદ BCCI હવે નવા મુખ્ય પસંદગીકારની શોધ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન આગરકરે ફેબ્રુઆરીમાં બોર્ડ સાથે થયેલી તેમની અગાઉની ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તેમણે પ્રથમ વખત બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું કે તેમના વર્તમાન કાર્યકાળના અંત બાદ અન્ય વિકલ્પ પર વિચાર કરવામાં આવે. BCCIના સભ્ય એકમોએ અજિત આગરકરના ભવિષ્ય અંગે નિર્ણય લેવાની જવાબદારી અધિકારીઓને સોંપી છે.
🚨 Ajit Agarkar is officially sacked as the chief selector of the Indian team.
Parthiv Patel is the front-runner to become the new chief selector.
Parthiv Patel is currently serving as a mentor for Gujarat Titans in the IPL, and he also does commentary.
He reportedly earns… pic.twitter.com/3OdXLUx9bD
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) September 18, 2026
આગરકરનો કાર્યકાળ લંબાવાશે?
અહેવાલ મુજબ BCCIએ નક્કી કરવાનું છે કે આગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવે કે નવા મુખ્ય પસંદગીકારની પસંદગી કરવામાં આવે. આ માહિતી આગરકર અને બોર્ડના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના થોડા કલાકો બાદ સામે આવી હતી. હાલના મુખ્ય પસંદગીકાર અજિત આગરકરનો કાર્યકાળ ચોથી ઓક્ટોબરે પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં BCCI તેમનો કાર્યકાળ લંબાવવાનો અથવા તેમની જગ્યાએ નવા મુખ્ય પસંદગીકારની નિમણૂક કરવાનો નિર્ણય લઈ શકે છે. BCCI સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષના ભવિષ્ય સાથે જ જુનિયર પસંદગી સમિતિના પાંચેય પદો ભરવા અંગે પણ વિચાર કરી રહી છે.




