ગુજરાતમાં આગામી થોડા દિવસ ભારે વરસાદની સંભાવના હોવાને કારણે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નાગરિકોને સાવધ રહેવા અપીલ કરી છે. મુખ્યપ્રધાને આજે સોમવારે સાંજે તેમના X હેન્ડલ ઉપર અપીલ જારી કરીને નાગરિકોને સાવધ કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે ત્યારે નાગરિકોને ખાસ અનુરોધ કરું છું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સૌ સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્રોતોથી દૂર રહીએ.
ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર, તેમજ મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી.
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને… pic.twitter.com/d0pPJxcwm8
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 26, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રીએ સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્ય મંત્રી શ્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.