છત્તીસગઢને અમદાવાદ ઇન્વેસ્ટર કનેક્ટમાં મળ્યા મોટા મૂડીરોકાણના પ્રસ્તાવો

અમદાવાદઃ CM વિષ્ણુ દેવ સાયએ અમદાવાદમાં યોજાયેલી ઇન્વેસ્ટર કનેક્ટ બેઠક દરમિયાન દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે છત્તીસગઢમાં રોકાણની સંભાવનાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.  શહેરમાં ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમમાં છત્તીસગઢને અંદાજે રૂ. 33,000 કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવો મળ્યા છે. CM વિષ્ણુ દેવ સાયએ થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવાં ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ આપ્યા હતા. આ મૂડીરોકાણોથી રાજ્યમાં 10,532થી વધુ રોજગાર તકો સર્જાશે.

ઉદ્યોગપતિઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગ, સાહસ અને નવીનતાની ધરતી ગુજરાતમાં આવીને આનંદ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના કણ-કણમાં ઉદ્યોગની ચેતના વસેલી છે અને દુનિયામાં કોઈ એવો ખૂણો નથી જ્યાં મહેનતી ગુજરાતી ભાઈઓની હાજરી ના હોય. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને છત્તીસગઢ મળીને વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ ગુજરાત દેશ અને વિશ્વના અર્થતંત્રને આગળ ધપાવી રહ્યું છે, તેમ જ છત્તીસગઢ પણ ઝડપથી એ જ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત પાસે ઉદ્યોગ છે, તો છત્તીસગઢ પાસે ઊર્જા, ખનિજ, કુશળ માનવબળ અને રોકાણકાર માટે અનુકૂળ ઔદ્યોગિક નીતિ છે—જે રોકાણકારો માટે એક આશીર્વાદ સમાન છે,” એમ તેમણે ઉમેર્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકારે છેલ્લા 22 મહિનામાં 350થી વધુ સુધારાઓ કર્યા છે, જેને કારણે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવાનું વધુ સરળ બન્યું છે. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ એનઓસી હવે ઝડપી આપવામાં આવી રહી છે. નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ઉદ્યોગોને વિશેષ સહાય અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.