નવી દિલ્હી: સરકાર GSTમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. સરકાર GST દરોમાં બદલાવને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. ખાસ કરીને 12 ટકા વાળા સ્લેબને પૂરી રીતે દૂર થવાની શક્યતા છે. એ સાથે જ 12 ટકા સ્લેબમાં આવતો કેટલીક આવશ્યક ચીજવસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. ચાલુ મહિને GST કાઉન્સિલની બેઠક યોજાઈ શકે છે, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. GST 1 જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવ્યો હતો.
આ પગલાથી મધ્યમ અને નીચી આવક ધરાવતા પરિવારને મોટી રાહત મળી શકે છે. વિચારણા ચાલી રહી છે કે આવશ્યક ચીજવસ્તુઓ પર લાગતો GST દર 12 ટકા કરતાં ઘટાડી પાંચ ટકા કરવામાં આવે કે પછી 12 ટકાવાળો સ્લેબ જ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવે. હાલ જે ચીજવસ્તુઓ પર 12 ટકા GST લાગુ પડે છે, તેમાંનો મોટા ભાગનો ઉપયોગ સામાન્ય લોકો કરે છે.
GST કાઉન્સિલ કાર, તમાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી ચીજોને GST રેટમાં સામેલ કરવા માગે છે. જેના પર ચર્ચાઓ અને ભલામણો પણ થઈ રહી છે. હાલ આ પ્રોડ્કટ્સ પર એક્સ્ટ્રા સેસ લાગે છે. જો તેના પર GST લાગુ કરવામાં આવે તો તેની કિંમતો વધશે.
GST કાઉન્સિલ
આ મામલામાં અંતિમ નિર્ણય GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવામાં આવી શકે છે, જે આ મહિને યોજાઈ શકે છે. આગામી કેટલાક મહિનાઓમાં બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને તામિલનાડુ જેવાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવશ્યક ચીજવસ્તુઓ પર GST દરમાં રાહત મળવાથી મોંઘવારી પર કાબૂ આવે તેવી શક્યતા છે. GST કાઉન્સિલના અધ્યક્ષ નાણાં મંત્રી હોય છે અને રાજ્યોના નાણાં મંત્રી પણ તેમાં સભ્ય તરીકે સામેલ હોય છે. કરદરમાં ફેરફાર કરવાનો અધિકાર આ કાઉન્સિલ પાસે જ હોય છે.
