ચેમ્પિયન્સ ટ્રોફી 2025: વાઇસ કેપ્ટનશિપ પર રોહિત-અગરકર અને હાર્દિક પંડ્યા વચ્ચે વિવાદ?

તાજેતરમાં BCCI એ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. ટીમની જાહેરાત બાદ, BCCIના મુંબઈ કાર્યાલયમાં લગભગ અઢી કલાકની બેઠક યોજાઈ હતી. આ પછી, ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવામાં આવી. ત્યારથી, રોહિત શર્મા, અજિત અગરકર, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં છે.

ટીમની જાહેરાત પછી, સમાચાર આવ્યા કે કોચ ગૌતમ ગંભીર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને  વાઇસ-કેપ્ટન બનાવવા માંગતા હતા, પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને અજિત અગરકર શુભમન ગિલને વાઇસ-કેપ્ટન બનાવવાની વાત પર અડગ હતા. આ સમાચાર બહાર આવતાની સાથે જ ચાહકોએ રોહિત અને અગરકર પર નિશાન સાધ્યું.

નોંધનીય છે કે, જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી અચાનક કેપ્ટનશીપ છીનવી લીધી અને હાર્દિક પંડ્યાને કમાન સોંપી, ત્યારથી રોહિત અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચાર આવતા રહે છે. ઘણા અહેવાલોમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત અને અગરકરના કારણે હાર્દિકને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો, જ્યારે હાર્દિક 2023ના ODI વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હતો.

IPL 2024માં, જ્યારે પણ હાર્દિક પંડ્યા, કેપ્ટન તરીકે, રોહિત શર્માને ફિલ્ડિંગ માટે અથવા કંઈક કહેવા માટે કોઈ જગ્યાએ મોકલતો, ત્યારે હાર્દિકને સ્ટેડિયમમાં ઘણું સાંભળવું પડતું. ચાહકો સતત હાર્દિકની અવગણના કરતા. ક્યારેક, ચાહકો હાર્દિકને ખુલ્લેઆમ ગાળો પણ આપતા હતા, પરંતુ હવે દરેકનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અને અજિત અગરકરે હાર્દિક પંડ્યા સાથે રાજકારણ રમ્યું છે. આ બંનેએ કાવતરું રચીને હાર્દિકને ભારતનો આગામી કેપ્ટન બનતા અટકાવ્યો છે. આ મુદ્દા પર ચાહકોનો અનેક રિએક્શન સામે આવી રહ્યા છે.