ચંપઈ સોરેને CM પદ પરથી રાજીનામું આપ્યું

ઝારખંડના સીએમ ચંપઈ સોરેને પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજભવન પહોંચ્યા બાદ તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. આ સાથે હેમંત સોરેને પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન ગઠબંધનના ધારાસભ્યોની સર્વસંમતિ બાદ ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પરત ફરશે. ગઠબંધન નેતાઓ અને ધારાસભ્યોએ સીએમ ચંપઈ સોરેનના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં સર્વસંમતિથી હેમંતને જેએમએમ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં ચંપઈ સોરેનની જગ્યાએ હેમંતને સીએમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઝારખંડ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર, પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર સાથે હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના પણ હાજર હતા. જો હેમંત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તો તે ઝારખંડના 13મા મુખ્યમંત્રી હશે.

હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ધરપકડના લગભગ પાંચ મહિના પછી 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા હેમંતે 31 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. EDએ હેમંત સોરેનની ધરપકડ કર્યા પછી, તેમના નજીકના સાથી ચંપાઈ સોરેનને રાજ્યની બાગડોર સોંપવામાં આવી હતી. ચંપાઈએ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.